Gujarat

રાત સુધીમાં ગુજરાતમાંથી તૌકતેનું સંકટ ટળી જશે પરંતુ આગામી 24 કલાક તેની અસર રહેશે

ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું (Cyclone) ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) પડવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર શ્રીમતિ મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તાઉ’તે’ વાવાઝોડું હવે અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે. આજે મંગળવારે સાંજ સુધીમાં આ સંકટ દૂર થઈ જશે. સૌરાષ્ટ્રથી શરૂ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી મચાવીને વાવાઝોડું (gujratcyclone) રાજસ્થાનમાં પ્રવેશ કરશે.

શ્રીમતિ મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે. જેમ જેમ વાવાઝોડું (Cyclone Tauktae) આગળ વધી રહ્યુ છે તેમ તેમ તે નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે રાત્રે ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.

સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ નબળું પડશે

તૌકતે વાવાઝોડું ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકયા બાદ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, અને ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ ફંટાય તેવી સંભાવના જણાઈ રહી છે. જોકે સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તન પામે તેવી હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણેક કલાકમાં વાવાઝોડું નબળું પડે તેમ જણાઈ રહ્યું છે. વાવાઝોડુ ધીરે ધીરે ઉત્તર-પૂર્વ રાજસ્થાન તરફ પસાર થશે. જેના પગલે અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદમાં સાંજે વાવાઝોડાની અસર વર્તાશે. જ્યારે 45થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. આ ઉપરાંત આવતીકાલે વાવાઝોડાનું સંકટ ટળી શકે તેવી હવામાન ખાતાએ સંભાવાના વ્યક્ત કરી છે.

તોફાની વરસાદથી તારાજી

અમરેલીના બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7 ઇંચ, સાવરકુંડલાના પાલીતાણામાં 7 ઇંચ, મહુવામાં 6 ઇંચ, અમરેલી, ખાંભા, બાબરા, રાજુલામાં 5, વલભીપુર, વિસાવદર, ભાવનગરમાં 4 ઈંચ,જ્યારે તળાજામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવાઝોડાના કારણે રાજ્યના લગભગ ૨૦ જેટલા જિલ્લાઓને અસર થવા પામી છે. જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે નુકસાન થવાના અહેવાલો મળી રહ્યા છે.

Most Popular

To Top