ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય (Biparjoy) અતિ તિવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની (Cyclone) ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તા.15મી જૂને બપોરે 2 વાગ્યે વાવાઝોડું નલિયા-માંડવી વચ્ચે ટકરાશે. વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે 125થી 150 પવનની ગતિ રહેશે. નવલખી, માંડવી, ઓખા , બેડી, મુંદ્રા, જખૌ બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું છે . બિપોરજોય વાવાઝોડાની અસર આજે જ સૌરાષ્ટ્રના સાગરકાંઠે જોવા મળી રહી છે. દરિયામાં 15 ફૂટથી ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
આગામી તા.15મી જૂનના રોજ બપોર સુધીમાં બિપોરજોય વાવાઝોડુ કચ્છના નલિયા તેમજ માંડવી વચ્ચેથી પસાર થવાનું છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપેરશન સેન્ટર ખાતે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવા માટે મહત્વની બેઠક યોજી હતી એટલું જ નહીં સૌરાષ્ટ્રના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તેમની પાસેથી પૂર્વ તૈયારીઓની માહિતી મેળવી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ , બિપોરજોય વાવાઝોડાના પગલે NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં તૈનાત કરાઈ છે. તેમજ ૩ ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની ૧૨ ટીમો પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે. સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે ભુપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા. જિલ્લાના કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામોમાં વસતા લોકોનું જરૂર જણાયે સલામત સ્થળે સ્થળાંતર અવશ્ય થઈ જાય તે જરૂરી છે.આ માટે પોલીસતંત્રની મદદ લઈને પણ નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા તેમણે તાકીદ કરી હતી.મુખ્યમંત્રીએ વધુમાં વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન: સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન્શ, જનરેટર સાહિત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સૂચનો કર્યા હતા.
હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મનોરમા મોહંતીએ આ સંભવિત વાવાઝોડાની અસર દરિયાકાંઠાના ૬ જિલ્લાઓમાં તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મોટા ભાગે ૧૪ જૂનથી દેખાવાની શક્યતાઓ દર્શાવી હતી.આના પરિણામે ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો અને દરિયાઈ મોજા ઉછળવા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે એમ તેમણે વાતાવરણના ભાવિ વરતારાનું પ્રેઝન્ટેશન કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં ૧૨ થી ૧૪ ત્રણ દિવસ માટે યોજનારો શાળા પ્રવેશોત્સવ બે જ દિવસ ૧૨ અને ૧૩ જૂને યોજવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, દરિયાકાંઠાના અને સંભવિત વાવાઝોડાની વધુ અસર થઈ શકે તેવા ૬ જિલ્લાઓ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને મોરબીમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ૯ મંત્રીઓને જિલ્લા વહીવટીતંત્રએ કરેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજન કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા જિલ્લાઓની જવાબદારી પણ મુખ્યમંત્રીએ સોંપી છે.
આ સંભવિત આપત્તિને પહોંચી વળવા જિલ્લાતંત્રોએ આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠે લાંગરેલી હોડી – બોટને સલામત સ્થળે મૂકવા તેમજ દવાઓ, પશુહાની થાય તો ત્વરિત મૃતદેહ નિકાલ, વાવાઝોડાની સ્થિતિમાં સગર્ભા માતાઓની પ્રસુતિમાં કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય સેવાઓની સજ્જતા તેમજ જે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી છે તેની વિગતોની ચર્ચા તેમણે કરી હતી. રાજ્ય સરકારે આ સંભવિત આપદાના સમયે જરૂર જણાય તો એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીની મદદ મળી રહે તે માટે એલર્ટ રહેવા સંદેશો આપ્યો છે.