ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના (Corona) કેસોએ રોકેટ ગતિ પકડી છે. કેસોમાં દિવસેને દિવસે ઉછાળો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આગામી દિવસોમાં કેસોને અટકાવવા માટે કડક પગલા લેવામાં આવે તેવી શક્યતા છે. કોરોનાની ગંભીર થયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સરકાર કોવિડ ટાસ્કફોર્સના સભ્યો અને જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તેમજ અન્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે. કોવિડ ટાસ્કફોર્સના સભ્યોએ સરકારને નિયંત્રણો કડક કરવા અને લગ્નોમાં સંખ્યા ઘટાડવા જેવા અનેક મુદ્દાઓ પર સૂચનો કર્યાં છે. જેને જોતા જો આ જ ગતિએ કેસોની સંખ્યા વઘતી રહેશે અને શનિવાર સુધીમાં કેસની વધતી સંખ્યા પર અંકુશ નહીં આવે તો કર્ફયુના સમયમાં ફેરફાર કરવામાં આવશે. જે મહાનગરોમાં આ કર્ફયુ લાદવામાં આવ્યું છે તેના સિવાય બીજા અન્ય શહેરોમાં કર્ફયુ લગા઼વામાં આવશે.
સરકાર કોરોનાના વઘતા કેસોને દિનપ્રતિદિન નિરીક્ષણ કરી રહી છે. જો પ્રજા દ્વારા સોશિયલ ડિસ્ટન્ય તેમજ માસ્ક જેવા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં ન આવશે તો અત્યાર કરતા પણ વધુ કડક વલણ સરકાર દ્વારા અપનાવામાં આવશે. આ ઉપરાંત બીજા અનેક પ્રતિબંધો લાગવાની શકયતા પણ છે. બે દિવસ સુધી સરકાર દ્વારા પરિસ્થિતીનું નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ કોવિડ ટાસ્કફોર્સના સૂચનો અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ આ મહામારીનો સામનો કરવા માટેનો નિર્ણય લેવામાં આવશે.
મળતી માહિતી મુજબ શનિવાર સુધી કોરોનાના કેસો હાલની સ્થિતીના પ્રમાણ મુજબ જ વઘતાં રહેશે તો સરકાર રવિવારથી નિયંત્રણો વધુ કડક કરશે, જેમાં નાઇટ કર્ફ્યૂનો સમય વધારવામાં આવી શકે છે. જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150થી ઘટાડી 100 કરાય તેવી શક્યતા છે. નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટલ-રેસ્ટોરાં, પાનના ગલ્લાઓ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરવામાં એવી શક્યતાઓ છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે. કોરોનાની હાલની સ્થિતીને જોતા લાગી રહ્યું છે કે ગુજરાતના અન્ય શહેરોમાં પણ નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવી શકે તેમ છે.
કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદ બન્યું હોટસ્પોટ
રાજ્યમાં 33 જિલ્લામાં એક્ટિવ કેસોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ અને સુરતમાં રાજ્યના 61 ટકા એક્ટિવ કેસો છે. આગામી સમયગાળામાં એક્ટિવ કેસનો આંકડો બીજી લહેરનો રેકોર્ડ પણ તોડી નાખશે અવી ઘારણાઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો આ ચારેય જિલ્લાઓમાં કુલ મળીને 71 હજારથી પણ વધુ એક્ટિવ કેસો છે. અમદાવાદ, સુરત અને વડોદરાને છોડી રાજ્યના 30 જિલ્લામાં 24864 એક્ટિવ કેસ છે, જેની સામે એકલા અમદાવાદમાં જ 31 હજારથી વધુ એક્ટિવ કેસ છે.