Gujarat

તો ગુજરાતમાં સરકારે કોરોનાથી મૃત્યુ પામેલાઓની અસલ સંખ્યા છુપાવી હતી?

નવી દિલ્હી: કોરોના વાયરસ (corona virus) સંક્રમણનું જોખમ હજી સમાપ્ત થયું નથી. બીજી લહેર જ્યારે આત્યંતિક સ્તરે હતી ત્યારે આખા દેશમાં બીમારીના કેસ અને મૃત્યુના આંકડા ઝડપથી વધ્યા હતા. ગુજરાત (Gujarat)માં પણ એવું જ થયુ હતું તો છતાં સરકારે કોરોનાથી મૃત્યુ પામેલાઓની અસલ સંખ્યા (death ratio) છુપાવી હતી, આ વાત એક અભ્યાસમાં સામે આવી હતી.

‘ધ ટેલીગ્રાફ’ (the telegraph)ના એક અહેવાલ મુજબ હાર્વર્ડના એક અભ્યાસમાં દાવો કરાયો હતો કે ગુજરાતની 162 નગર પાલિકાઓ પૈકી 54ના આંકડા આખા રાજ્યના સત્તવાર કોવિડ-19 મૃત્યુઆંક કરતા બહુ વધારે હતા. અભ્યાસમાં દાવો કરાયો હતો કે ગુજરાતમાં એપ્રિલ 2021માં અપેક્ષાથી 480 ટકા વધુ મૃત્યુ થયા હતા. જે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ એક મહિનામાં નોંધાયેલા મૃત્યુમાં સૌથી વધુ વધારો હતો. ઈક્વાડોરમાં 411 અને પેરુમાં 345 ટકા વધારે હતા. એપ્રિલ 2021માં પેરૂમાં 345 ટકાનો વધારો થયો હતો, ગુજરાતનો એપ્રિલ મહિનામાં થયેલો વધારો આ બંને કરતા પણ વધુ છે. હાર્વર્ડના સંસોધકોએ કહ્યું કે આ વધારે મોત બીજી કોઇ આફતની ગેરહાજરીમાં કોવિડથી થયેલા ગણી શકાય.

દરમિયાન એપ્રિલ મહિનાની શરૂઆમાં રાજ્યમાં રોજના નવા કેસો 2400થી 6 ગણા વધીને મહિનાના અંતમાં આશરે 14000 થયા હતા. શોધકર્તાઓએ આ આંકડાઓ નાગરિક મૃત્યુ રજિસ્ટરથી લીધા હતા. તેના મુજબ માર્ચ 2020 અને એપ્રિલ 2021 વચ્ચે નગર પાલિકાઓમાં આશરે 16,000 વધારાનાં મૃત્યુ થયા હતા. ભારતનું આરોગ્ય મંત્રાલય કોવિડ-19ના મૃત્યુ આંકડા માટે રાજ્ય સરકારો પર નિર્ભર છે. મંત્રાલયે જણાવ્યુ હતું કે ગુરુવાર સુધી ગુજરાતમાં 10080 મૃત્યુ થયા છે, જ્યારે આખા દેશમાં અત્યાર સુધી કુલ 4,36,000 મૃત્યુ થયા છે.

દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 44,658 કેસો નોંધાતા કુલ કેસોનો આંકડો 3,26,03,188 થયો છે જ્યારે સક્રિય કેસો વધીને 3,44,899 થયા છે એમ આરોગ્ય મંત્રાલયના સવારના 8ના અપડેટમાં જણાવાયું હતું. 24 કલાકમાં વધુ 496 મોત સાથે કુલ મરણાંક વધીને 4,36,861 થયો છે. 24 કલાકમાં સક્રિય કેસોમાં કુલ 11,174 કેસોનો વધારો થયો હતો. ગુરુવારે 18,24,931 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ સાથે કુલ ટેસ્ટનો આંકડો 51,49,54,309 થયો છે. દૈનિક પૉઝિટિવિટી રેટ 2.45% અને સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.10 ટકા છે. દૈનિક પૉઝિટિવિટી રેટ છેલ્લા 32 દિવસથી અને સાપ્તાહિક છેલ્લા 63 દિવસથી 3%ની નીચે છે. દરમ્યાન કેન્દ્રએ કેરળ અને મહારાષ્ટ્રને જ્યાં કેસો વધારે હોય એ વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ વિચારવા કહ્યું છે. દેશમાં છેલ્લા બે દિવસોથી નવા કેસો 40000ની ઉપર આવી રહ્યા છે. મહિનાની મધ્યમાં નવા કેસો 25166 પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયા હતા પણ કેરળમાં કેસો વધવાથી છેલ્લા 3 દિવસોથી દૈનિક કેસો વધી રહ્યા છે.

કેરળમાં હમણાં જ એક મોટો તહેવાર ઉજવાયો હતો. એક સપ્તાહમાં દેશના 60% કેસો એકલા કેરળમાં આવ્યા હતા.ગૃહ મંત્રાલયે ગઈકાલે રાત્રે કહ્યું હતું કે રાજ્યોને નાઇટ કર્ફ્યુ માટે વિચારવા કહેવાયું છે. રસીના વધુ પુરવઠાની પણ ખાતરી આપવામાં આવી હતી. આરોગ્ય સચિવે મહારાષ્ટ્રને પત્ર પાઠવીને આગામી તહેવારો પૂર્વે સ્થાનિક નિયંત્રણો મૂકવા કહ્યું હતું.

Most Popular

To Top