Gujarat

અમદાવાદમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો ઈનકાર કરનાર આ નેતા ભાજપમાં જોડાઈ ગયા

અમદાવાદ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માથે છે ત્યારે ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસને (Congress) ઉમેદવાર શોધવા દીવો લઈને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. કોઈ ઉમેદવાર ચૂંટણી (Election) લડવા તૈયાર નથી ત્યાં બીજી તરફ એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં (BJP) જોડાઈ રહ્યાં છે. આજે વધુ એક નેતાએ કેસરિયો ખેસ પહેર્યો છે.

  • કોંગ્રેસ આઈટી સેલના વડા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા
  • પિતાની બિમારીનું કારણ ધરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
  • કોંગ્રેસે પૂર્વ અમદાવાદની બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છતાં ચૂંટણી લડવા ઈનકાર કર્યો હતો

ગઈ તા. 12મી માર્ચના રોજ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં 7 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી, તેમાં જે નેતાનું નામ હતું તે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના પદલે પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. આમ ટિકિટ આપવા છતાં ચૂંટણી લડવાના બદલે નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા હોવાનું ચિત્ર ઉભું થયું છે.

ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા (Rohan Gupta) આજે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 માટે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. પિતાની તબિયત ખરાબ હોવાનું કારણ ધરી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. રાજીનામું આપ્યાના 25 દિવસ બાદ હવે રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે.

રાહુલ ગુપ્તાએ આજે 11 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. દિલ્હીમાં રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં રોહન ગુપ્તાએ કેસરિયો ખેસ પહેર્યો છે. રોહન ગુપ્તાની સાથે કોંગ્રેસના જહાંઝૈબ સિરવાલ અને પરમપાલ કૌર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. રોહન ગુપ્તા કોંગ્રેસના આઈટી સેલના વડા હતા. તેઓએ કોંગ્રેસમાં સાથીદારો દ્વારા થતા સતત અપમાનનો આરોપ લગાવી કોંગ્રેસ છોડી છે.

નોંધનીય છે કે, રોહન ગુપ્તાને કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈ તા. 20 જૂન 2022ના રોજ રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. તે અગાઉ રોહન ગુપ્તા કોંગ્રેસમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા.

Most Popular

To Top