અમદાવાદ : આપણા દેશના પ્રધાનમંત્રી (PM) હાલમાં ગુજરાતના (Gujarat) ત્રણ દિવસના પ્રવાસે હતા. તેઓને મારે પુછવું છે કે, આપ દેશના પ્રધાનમંત્રી છો કે ભાજપના પ્રચારમંત્રી એ ગુજરાતની (Gujarat) જનતા સમજી શકતી નથી. ગુજરાતની જનતા જાણે છે કે વારંવાર આપ એકવાર શરૂ થયેલા પ્રોજેક્ટને ફરીથી ઉદઘાટન કરી રહ્યાં છો. શું આ સારી વાત છે ? વડાપ્રધાનએ કહ્યું કે, અર્બન નક્સલવાદ દેશને નુકસાન તરફ દોરી રહ્યો છે. હું ગુજરાતના આદિવાસી સમાજનો આભાર માનું છું કે, નક્સલવાદને તેમણે ટેકો નથી આપ્યો. તો શું દેશના આદિવાસીઓ નક્સલવાદને ટેકો આપે છે ? આ વાત એ આદિવાસી સમાજ માટે અપમાનજનક છે. અર્બન નક્સલવાદની વાત કરીને શું આપનો ઈશારો આર.એસ.એસ. ગુંડાઓ તરફ તો નથી ને કે જે રોજબરોજ પોતાની વાતોમાં ઝેર ઓંકે છે ? તેવું રાજીવ ગાંધી ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
આલોક શર્માએ વધુમાં કહ્યું હતું કે આજના નરેન્દ્ર મોદીના વક્તવ્ય સાંભળ્યું. સૌ પહેલા તો અમે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીને યાદ કરીએ છીએ કે જેમણે 1981માં સિવિલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. આજે આપે કહ્યું કે, ગુજરાતમાં 36 મેડીકલ કોલેજ છે. તો ગુજરાતની જનતા 36 મેડીકલ કોલેજનું લીસ્ટ જાણવા માંગે છે ? એમાની કેટલી કોલેજ સરકારી છે અને કેટલી પ્રાઈવેટ છે ? કેટલી એવી છે કે જે સરકારી હોવા છતાં આપે આપના ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધી છે. જનતા એ પણ જાણવા માંગે છે કે, 1953માં જે હોસ્પિટલની આધારશીલા રખાઈ હોય જેમાં વર્ષમાં હાલમાં 10 થી 11 લાખ દર્દીઓ સારવાર લેતા હોય એ જ હોસ્પિટલમાં વારંવાર આવીને આપ આવા પ્રકારના ઉદઘાટન કરી રહ્યાં છો તે શું યોગ્ય છે ?