અમદાવાદ : કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષની આગામી 17 મી ઓક્ટોબરના રોજ ચૂંટણી (Election) યોજાનાર છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે અમદાવાદમાં (Ahmedabad) ગાંધી આશ્રમની મુલાકાત લઈ પોતાના પ્રચારની શરૂઆત કરી હતી. ખડગેએ ગાંધીજીની પ્રતિમાને આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગાંધી આશ્રમમાં મુલાકાત ડાયરીમાં મલ્લિકાર્જુન ખડગે નોંધ્યું હતું કે અમદાવાદથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા પાછળ દેશની આઝાદી અપાવનાર વ્યક્તિ મુખ્ય કારણ છે. સરદાર પટેલે પણ દેશના અનેક નાના-મોટા રજવાડાઓને એક કરી દેશને અખંડ કર્યો છે, માટે આ સરદાર પટેલની પણ ભૂમિ છે. પ્રચાર શરૂ કરતાં પહેલાં આ બંને મહાન વ્યક્તિઓને વંદન કરવા ગુજરાત આવ્યો છું. સિનિયર આગેવાનોના સૂચનના પગલે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, પોતે કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવા ચૂંટણી લડી રહ્યા છે.