Gujarat

લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો

અમદાવાદ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સિનિયર આગેવાન રાહુલ ગાંધીએ હિંદુઓ અંગે કરેલા નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ નિવેદનના વિરોધમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અમદાવાદના પાલડી સ્થિત આવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ –કોગ્રેસ કાર્યકરો વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો. આ તબક્કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી આવી જતા ઘર્ષણ થયું હતું. પથ્થરમારાની સાથે કાચની બોટલો પણ ફેકાઈ હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ કાર્યકરોને ટીંગાટોળી કરીને અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.

  • લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો
  • અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
  • કાચની બોટલો પણ ફેંકાઈ, પથ્થરમારામાં એક પોલીસ કર્મીને ઈજા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત

લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન બાદ ભાજપમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. આજે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસ કાર્યાલયની બહાર પહોંચી ગયા હતા. બીજી તરફ સામે કોંગ્રેસના કાર્યકરો પણ કાર્યાલયમાં હાજર હતા. પરિસ્થિતિ વણશે તે પહેલા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ છતાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપ કાર્યકરોએ અને કોંગ્રેસ કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પોલીસની હાજરીમાં પથ્થરમારાની સાથે કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી. આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને ઈજા થઈ હતી.

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જઈ ઘર્ષણ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે બંને પાર્ટીના કાર્યકરોની બળજબરીપૂર્વક ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ ઉપરાંત આજે વહેલી સવારે હિન્દુ સંગઠન દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર કાળી સહી લગાવવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ સમર્પિત સંગઠનો દ્વારા કરવામાં આવેલા આ કૃત્યનો કોગ્રેસ સખ્ત શબ્દોમાં વખોડી પ્રદેશ કોગ્રેસ કાર્યાલય પર હુમલો કરનાર તત્વોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માગણી કરી છે.

Most Popular

To Top