Gujarat

ગુજરાતનો શહેરી વિકાસ હવે રોલ મોડેલ બન્યો છે : દાદા

ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) રિવરફ્રંટ ખાતે યોજાયેલા આ કોન્કલેવમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રંટને વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાનું શ્રેષ્ઠ નજરાણું ગણાવીને રિવરફ્રંટના ડેવલપમેન્ટને રાજકીય ઈચ્છાશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશને 5 ટ્રીલીયન ઇકોનોમી બનાવવા પીએમ નરેન્દ્ર મોદીના આહવાનને સિદ્ધ કરવા શહેરી ઇકોનોમીનો વિકાસ અતિઆવશ્યક છે.

શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવમાં તેમણે જણાવ્યું હતું કે શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ શહેરી સુખાકારીનો અમૃત કાળ સાબિત થશે. પીએમ મોદીએ પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી વિકસાવી છે. તેમણે 20 વર્ષ પહેલા ગુજરાતના શાસનની ધુરા સંભાળી ત્યારે શહેરોની સુવિધાઓ મર્યાદિત હતી. પીએમ મોદીના અથાગ પરિશ્રમ અને દૂરંદેશીતાના પરિણામે આજે સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ બન્યો છે. જેના પરિણામે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટીનો એક નવો યુગ દિશાદર્શનમાં શરૂ થયો છે. વિશ્વ ફાસ્ટટ્રેક વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે અને નાગરિક કેન્દ્રી સુવિધા અને ઓનલાઇન સુવિધાઓના સમન્વયથી આજે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમથી સ્માર્ટ આંગણવાડી, સ્માર્ટ પાર્કિંગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને સ્માર્ટ ચાર્જીંગથી સ્માર્ટ ઇલેક્ટ્રિક બસ જેવા અસંખ્ય પ્રયાસોની સામાન્ય માનવીના જીવન પર સકારાત્મક અસર વર્તાઇ રહી છે અને ઇઝ ઓફ લિવિંગ સરળ બની રહ્યું છે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

પટેલે જણાવ્યું હતું દેશમાં છેલ્લા કેટલાય દાયકાથી ગ્રામ્ય ક્ષેત્રોમાં મર્યાદિત આવક, ઔદ્યોગિકરણ, આંતરમાળખાકીય સવલતો, શિક્ષણ અને સ્વાસ્થ્યની મર્યાદિત સવલતોના પરિણામે શહેરીકરણ વધ્યું છે. જે કારણોસર શહેરી વિકાસ મહત્વની બાબત બની રહી છે. ગુજરાતે આ પરિસ્થિતિને પારખીને શહેરી વિકાસને હંમેશા મહત્વ આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ સહિતના 6 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પણ અમદાવાદ અને વડોદરા ઇઝ ઓફ લિવિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન આંકમાં ટોપ-10માં સ્થાન ધરાવે છે.
ગુજરાત સરકાર દ્વારા ટી.પી. સ્કીમમાં ફાળવેલી જમીનમાંથી 5 ટકા જમીન વિસ્તાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે આવાસો બનાવવા માટે ફાળવવામાં આવે છે. તદ્ઉપરાંત ક્લીન અને ગ્રીન સિટી બનાવવા માટે અર્બન ફોરેસ્ટનો અભિગમ અપનાવ્યો છે.

Most Popular

To Top