અમદાવાદ: ગુજરાત (Gujarat) મુખ્યમંત્રી કાર્યાલયમાં (CM Office) આઠ-દસ વર્ષથી નિવૃત (Retired) થયેલા અધિકારીઓ-કર્મચારીઓ (Employee) અડીંગો જમાવી બેઠા છે. સરકારના મોટાભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો અને બીજી બાજુ સરકારના વિભાગોમાં મોટાપાયે કર્મચારીઓની ઘટ છે, ત્યારે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી ભરતી કરીને ભાજપ (BJP) સરકાર ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરી રહી છે, તેવું પ્રદેશ કોગ્રેસના (Congress) પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે, મોટાભાગના સરકારી વિભાગોમાં જાહેર સેવા અંગેના નાગરિક સંસ્થા નિયમ-2013નો 10 વર્ષથી લાગુ ન કરીને ગુજરાતની જનતાને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. નાગરીક અધિકાર કાયદો લાગુ ન થવાથી ગુજરાતના નાગરિકોને હક્ક અધિકાર મેળવવા પારાવાર મુશ્કેલી પડી રહી છે. જાહેર જનતા જ્યાં સીધાં સંપર્કમાં આવે છે, તેવા વિભાગોમાં 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે. મહત્વના પદ પર નિવૃત્તી બાદ કરાર આધારિત અધિકારીઓ અડીંગો જમાવીને બેઠા છે. કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન કરવા માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના મુખ્ય ઓપરેશન પરના અધિકારીઓ સાત વર્ષથી નિવૃત્તી પછી સત્તા ભોગવી રહ્યાં છે.
સરદાર સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટમાં 45 ટકા કરતાં વધારે જગ્યા ખાલી છે. ગુજરાતમાં 4,69,133 કાયમી કર્મચારીનું મહેકમ છે. સરકાર જો કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી 10 વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારી વિનાના ખાલી થઈ જશે. સરકાર કાયમી ભરતી પ્રક્રિયા નહીં કરીને 10 લાખથી વધુ આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે.
ડૉ. મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતના વિભાગમાં એક્સટેન્શનવાળા અધિકારીઓનું જ રાજ ચાલી રહ્યું છે. તો લાયકાત ધરાવતા અધિકારીઓ બઢતી મેળવ્યા વગર જ રિટાયર્ડ થઈ જાય છે. પરિણામે વિભાગની કામગીરીને સીધી અસર જોવા મળે છે. આ નિવૃત્ત અધિકારીઓ નિવૃત્તિ બાદ 8-10 વર્ષથી એક્સટેન્શન આપવામાં આવતું હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવાર લાયકાત અધિકારીઓની બઢતી રોકાઈ ગઈ છે અને વિભાગમાં નિષ્ક્રિયતા અને શુષ્ક વાતાવરણ થઈ જાય તે સ્વાભાવિક છે.