ગાધીનગર: તાજેતરમાં પાલનપુરમાં (Palanpur) આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં ઓટો રીક્ષા તથા ટ્રેકટર દટાયા હતાં, જેમાં બે વ્યકિત્તઓના મૃત્યુ થયા હતા. આ ઘટનાની આજે ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં (Meeting) વ્યાપક ચર્ચા થઈ હતી.
- કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીની ટકોર, હવે કોઈની ભલામણ ચલાવી લેવાશે નહીં, ટેન્ડરના નિયમો પણ ટૂંકમાં બદલીશું
- પાલનપુર ઓવરબ્રિજ દુર્ઘટનામાં કડક પગલાં ભરાશે, કોઈની શેહશરમ રખાશે નહીં
આ બેઠકમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ એવી ટકોર કરી હતી, કે હવે બ્રિજ કે ઓવરબ્રિજના નિર્માણ માટે કોઈની પણ ભલામણ ધ્યાને લેવાશે નહીં. એટલું જ નહીં સૌથી નીચા ભાવવાળું ટેન્ડર પણ ધ્યાને લેવાશે નહી. આપણે કવોલિટી વર્ક પર ધ્યાન આપવું પડશે, એટલું જ નહીં પાલનપુરની ઘટનામાં પણ જો તપાસ રિપોર્ટમાં ભ્રષ્ટાચાર ધ્યાને આવશે, તો ચોક્કસ કડક હાથે પગલા લેવાશે, તેમાં કોઈની પણ શેહશરમ રાખવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દ્વારા જરૂર પડ્યે નજીકના દિવસોમાં બ્રિજ કે ઓવરબ્રિજના બાંધકામ અંગેના નિયમો – ટેન્ડરના નિયમોમાં બદલાવ લવાશે.
કેબિનેટ બેઠકમાં પાલનપુરની ઘટના અંગે થયેલી ચર્ચા અંગે કેબિનેટ પ્રવકત્તા અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ કડક હાથે પગલા ભરવાની વાત કરી છે. સરકારને હજુ માર્ગ મકાન વિભાગનો તાપસ રિપોર્ટ મળ્યો નથી. જો કે સરકાર કડક હાથ પગલા ભરશે, તેની હું ખાતરી આપું છું. દેસાઈએ વધુમાં કવોલિટી કામ પર ધ્યાન અપાશે તે મુદ્દે વિસ્તૃત વિગતો આપતા, બ્રિજ કે ઓવરબ્રિજના નિર્માણ માટે જરૂર પડયે ટેન્ડરના નિયમો સુધારવામાં આવશે, તેવું કહ્યું હતું.