Gujarat

રાજ્યમાં વિકાસના કામોની ગુણવત્તા મુદ્દે કોઈ બાંધછોડ નહીં, એક્શન લેશું: દાદા

ગાંધીનગર: રાજ્ય (Gujarat) સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સંબોધન કર્યુ હતું. કામની ગુણવત્તાને લઈ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરતાં કહ્યું હતું કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે, પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં, ખાસ કરીને વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) દરમ્યાન વિદેશી મહેમાનો રાજ્યમાં કોઈ પણ સ્થળે મુલાકાતે જશે, એટલે સ્વચ્છતા બાબતે કોઈ સમસ્યા નહીં થવી જોઈએ.

  • રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, વિવિધ નગરપાલિકાઓને રૂ.2084 કરોડના ચેક વિકાસ કામો માટે મુખ્યમંત્રી દ્વારા અર્પણ કરાયા

મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું, મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે, ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટરવાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે. એટલે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નગરપાલિકા કે મનપામાં પૈસાનો સવાલ નથી પણ પૈસા કઈ રીતે વાપરવા એ પ્રશ્ન છે. દાધિકારી, અધિકારી અને પ્રજા એક થઇ જાય તો કોઈ બાબતની કમી નથી રહેતી. સ્વચ્છતાની બાબત કોઈને તકલીફ પડતી હોય તો જાહેર મંચ પર કંઈ પણ કહેવાની છૂટ છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા આ સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 735 કરોડ, સુરતને રૂ. 569 કરોડ, વડોદરાને રૂ. 172 કરોડ, રાજકોટને રૂ.135 કરોડ તથા જામનગરને રૂ.109 કરોડ તેમજ ગાંધીનગરને રૂ. 37 કરોડ, ભાવનગરને રૂ. 94 કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 31 કરોડ મળી 8 મહાનગરોને કુલ રૂ. 1882 કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને 44 કરોડ, ‘બ’ વર્ગને 36 કરોડ તથા ‘ક’ વર્ગને પણ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 17 કરોડ મળી સમગ્રતયા 2084 કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.

Most Popular

To Top