ગાંધીનગર : ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma Temple) ખાતે શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંગેના ઇન્ટરનેશનલ સેમિનારમાં મુખ્યમંત્રી (CM) પટેલે સંબોધન કરતાં કહયું હતું કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતી તક તથા સંભાવના પડેલી છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે. તેમણે જણાવ્યું હતું કે દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલું જ નહિ, મેરિટાઇમ સેક્ટરમાં પ્રાચિન કાળથી વર્તમાન સુધીનો ગુજરાતનો ઉજ્જવળ અને સુદીર્ધ ઇતિહાસ છે.
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત પોર્ટ લેડ ડેવલપમેન્ટની રાહે આગળ વધ્યું છે. દેશનું ૪૦ ટકાથી વધારે કાર્ગો ગુજરાતના બંદરોએથી સંચાલિત કરવામાં આવે છે. ૧ મેજર તથા ૪૮ નોન મેજર પોર્ટસ ધરાવતા ગુજરાતના નોન મેજર પોર્ટસ પરથી ર૧-રર ના વર્ષમાં ૪૦પ મિલીયન મેટ્રીક ટન કાર્ગો પરિવહન થયું છે .પટેલે કહયું હતું કે દેશના ગ્રોથ એન્જીન એવા ગુજરાતમાં શિપ રિસાયક્લિંગ ઉદ્યોગોને વિકસવાનો પૂરો અવકાશ મળી રહે તેમ છે. પહેલાં શિપ બ્રેકીંગનો જમાનો હતો હવે શીપ-રિસાયક્લિંગ અને ગ્રીન શિપ રિસાયક્લિંગનો સમય છે. જેમ શિપ-બ્રેકીંગ, રિસાયક્લિંગ ક્ષેત્રે ગુજરાતના અલંગનો દબદબો છે તેવી જ રીતે ગ્રીન શિપ રિસાયક્લિંગમાં પણ અલંગ અગ્રેસર રહેશે.
શિપમાંથી નીકળતા જોખમી તથા બિનજોખમી વેસ્ટ પર્યાવરણ, માનવ સ્વાસ્થ્ય અને દરિયાઇ જીવ સૃષ્ટિને નુકશાન કરી શકે છે. આવા નુકસાનને અટકાવવા તથા સેફ એન્ડ ટકાઉ શિપ રિસાયક્લિંગ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મહત્વની ભૂમિકા નિભાવવા સજ્જ છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અલંગને ઊંચા દરજ્જાનું ગ્રીન શિપ રિસાયક્લિંગ સેન્ટર બનાવવા કમર કસી છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળ ભારતના શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપીંગ ઉદ્યોગોના વિકાસનો અમૃતકાળ બનશે.