રાજ્ય સરકારના 3.57 લાખ કરોડના દેવામાં એક જ વર્ષમાં 13 ટકાનો વધારો : કેગ

ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભામાં રાજય સરકારના નાણાકિય વ્યવસ્થાપન અંગે વર્ષ 2020-21ના વર્ષનો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ નો હિસાબી રિપોર્ટ અંગેનો રિપોર્ટ રજૂ થયો હતો. ખાસ કરીને સીએજીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લેહરના પગલે રાજય સરકારની કર તથા બિન કર આવકમાં ઘટાડો થયો છે.

સીએજીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2020-21માં સરકારની કર આવકમાં પાછલા વર્ષ કરતાં 8741 કરોડનો ઘટાડો થયો છે. જયારે બિન કર આવકમાં 7611 કરોડ એટલે બંને ભેગા કરતાં એકંદરે 16352 કરોડનો ઘટાડો થયો છે. કેન્દ્ર પાસેથી રાજય સરકાર જીએસટી વળતર પેટે 26,933.48 કરોડનું મેળવવા હકદાર હતી . બીજી તરફ કેન્દ્ર તરફથી કરવેરાનો હિસ્સો 20,219 કરોડનો મળ્યો હતો. કેન્દ્રિય સહાયક ગ્રાન્ચમાં 2020-21માં 1678 કરોડનો વધારો થયો છે. 2020-21માં મહેસુલી ખર્ચ 1,50,704 કરોડ થયો હતો. જયારે મૂડી ખર્ચ 26,781 કરોડ થયો હતો. રાજય સરકારનું વૈધાનિક નિગમો, સરકારી કંપનીઓ, ગ્રામીણ બેન્કો, સંયુકત્ત સ્ટોક કંપનીઓ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં સરકારનું 1,07,518 કરોડનું રોકાણ કરેલુ હતું. જેની સામે 2020-21માં સરકારને 0.12 જેટલુ વળતર મળ્યું હતું.

અંદાજપત્રમાં કરાયેલી જોગવાઈ સામે બચત થઈ
રાજય સરકારે 2020-21ના બજેટમાં 2.28 લાખ કરોડની જોગવાઈ કરી હતી. જેની સામે સરકારે 2,00,216 કરોડનો ખર્ચ કર્યો હતો. એટલે કે સરકારને 28,561 કરોજડની ચોખ્ખી બચત થઈ હતી. ગત 31મી માર્ચ 2021 ના રોજ સરકારે 12,437 કરોડનો ખર્ચ કર્યો પરંતુ તેનો બિલો રજૂ કર્યા નહોતા. એટલે વિભાગો દ્વારા સમગ્ર નાણાકીય વ્યવસ્થાપન પર યોગ્ય દેખરેખનો અભાવ દર્શાવે છે. આ ઉપરાંત વિભાગોએ 553 કરોડની રકમ આકસ્મિક બિલો દ્વારા ઉપાડી હતી. જો કે પાછળથી તેના વિગતવાર આકસ્મિત બાબતોના બિલો રજૂ કર્યા નહોતા. રાજયનું એકંદરે ઘરેલુ ઉત્પાદન 2020-21માં 16,58,865 કરોડ રહ્યું હતું. જે તેના આગળના નાણાંકિય વર્ષ કરતાં 0.57 ટકાનો વધારો સૂચવે છે. 2019- 20માં એકંદરે ઘરેલુ ઉત્પાદન 16,49,505 કરોડ રહ્યું હતું.

બજેટમાં અંદાજ તથા ખરેખર થયેલી આવક
2020-21ના બજેટમાં રાજય સરકારે બજેટમાં આવકના જે અંદાજો મૂકયા હતા. તેમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને કર આવકનો અંદાજ 1,05,093.60 કરોડનો હતો. જયારે ખરેખર કર આવક 70,266.18 કરોડ થઇ હતી. બિન કર આવકનો અંદાજ 14,600.00 કરોડનો હતો. જયારે તેની સામે સરકારને બિન કર આવક 10,492.66 કરોડની થઈ હતી. કેન્દ્રિય કરવેરામાં – જકાતમાં હિસ્સામાંથી રાજય સરકારે 26,629.86 કરોડની અપેક્ષા રાખી હતી. જેની સામે 20,218.53 કરોડનો હિસ્સો મળ્યો હતો. એકંદરે રાજયનિી મહેસુલી આવકમાં 10.28 ટકાનો, સરકારની પોતાની કર આવકમાં 11.06 ટકાનો ઘટાડો, બિન કર આવકમાં 42.04 ટકાનો ઘટાડો અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયક ગ્રાન્ટમાં 6.58 ટકાનો વઘારો થયો છે. આ આવક સામે સરકારે સામાજીક સેવાઓ પાછળ 60,816 કરોડ ( 30.98 ટકા ) તથા સામાન્ય સેવાઓ પાછળ 52,074 કરોડ (26.48 ટકા ) ખર્ચ કર્યો હતો. રાજય સરકારને 31મી માર્ચ 2021ના રોજ જીએસટી તથા સ્ટેમ્પ ડયુટી , નોંધણી ફી અને વીજળી પરના વેરા અને જકાતની બાકી વસૂલાત 60,712.61 કરોડની હતી. જયારે તે પૈકી 23,079.77 કરોડની રકમ પાછલા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી વસૂલાત બાકી છે.

સરકારનું દેવુ
વર્ષ 2020-21માં રાજય સરકારનું 3,57,893 કરોડ જેટલુ હતું. આ દેવામાં પાછલા વર્ષ કરતાં 13.45 ટકાનો વધારો થયો હતો. જેમાં આંતરિક દેવુ 2,90,031 કરોડ ( 81.04 ટકા ), જાહેર હિસાબની જવાબદારીઓ રૂા.49.863 કરોડ અને કેન્દ્ર સરકાર તરફથી 17,999 કરોડની લોનનો સમાવેશ થાય છે.સરકાર હસ્તકના 68 પૈકી 40 સરકારી કંપનીઓએ વર્ષ 2020-21માં 3845.82 કરોડનો નફો દર્શાવ્યો હતો. સરકાર નિયંત્રિત અન્ય 29 કંપનીઓ પૈકી 16 કંપનીઓએ 2020-21માં 2709.03 કરોડનો નફો દર્શાવ્યો હતો.રાજયના 56 જાહેર ઉપક્રમોએ એકંદરે 6554.85 કરોડના નફાની કમાણી કરી હતી.સરકારની 18 કંપનીઓ – નિગમોએ 2020-21માં 1766.31 કરોડનું નુકસાન કર્યુ હતું.સરકાર નિયંત્રિત 29 નિગમો પૈકી 11 નિગમોએ 152.38 કરડોનું નુકસાન કર્યુ હતું.રાજયમાં વર્ષ 2014-15થી મહિલા કલ્યાણ લક્ષી નાણાકિય જોગવાઈ બજેટમા કરાય છે. જેને જેન્ડર બજેટ કહે છે. વર્ષ 2019-20માં જેન્ડર બજેટ માટે 63,341.07 કરોડની ફાળવણી કરાઈ છે. જયારે વર્ષ 2020-21માં 78,418.48 કરોડની જોગવાઈ કરાઈ હતી.

Most Popular

To Top