અમદાવાદ: રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર વારંવાર ફૂટી જતા હોય છે, પરંતુ શનિવારે ધોરણ 10ની પરીક્ષામાં હિંદી વિષયનું પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું છે. મળતી માહિતી મુજબ પિતાએ પુત્રને પાસ કરવાના ઇરાદેથી મિત્ર પાસેથી હિન્દીનુ પેપર માંગ્યુ હતુ. પરીક્ષા પૂર્ણ થાય તે પહેલાં 30 મિનીટ પહેલા જ હિન્દીના પેપરના પ્રશ્નના જવાબો સાથેનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જે અંગે શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે આવું કોઈ પેપર ફૂટયું જ નથી, પરીક્ષાઓ સંપૂર્ણ શાંતિથી અને સીસીટીવી સર્વેલન્સ હેઠળ લેવામાં આવી છે. આ મામલે પોલીસે ઘનશ્યામ ચારેલ, સુરેશ ડામોર, શૈલેષ પટેલ અને જયેશ ડામોરની અટકાયત કરી છે. જો કે અમિત પાસે પેપર ક્યાંથી આવ્યું તેનો હજી ખુલાસો થયો નથી. પોલીસે પાંચેયની સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેવી રીતે થયુ પેપર વાયરલ?
ગુજરાતમાં ધોરણ 10 નું પેપર વાયરલ થવાની ઘટનાએ બધે જ ખળભળાટ મચાવી દીધો હતો. મળતી માહિતી મુજબ સુરેશ ડામોરનો પુત્ર ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેના માટે પેપરની વ્યવસ્થા કરવા સુરેશે શૈલેષનો સંપર્ક કર્યો હતો. શૈલેષ સંજેલીની વૃંદાવન આશ્રમ શાળાના શિક્ષક છે. તેણે સુરેશનો સંપર્ક અમિત તાવિયાડ સાથે કરાવ્યો હતો. આ અમિત તાવિયાડ આશ્રમ શાળાના પ્રાથમિક વિભાગમાં નોકરી કરે છે અને LRDનો ઉમેદવાર છે. સંપર્ક બાદ અમિતે સુરેશને પરીક્ષાના સમય પર જ 10.47એ પેપર જવાબ સાથે મોકલ્યુ હતુ. સુરેશે પેપરની પ્રિન્ટ કાઢી ઘનશ્યામને પેપર મોકલ્યું ત્યાર બાદ તેણે પેપરની પ્રિન્ટ કાઢી ફેસબુક પર વાયરલ કર્યું હતુ.
અંગે શિક્ષણ શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે ‘આવું કોઈ પેપર ફૂટયું જ નથી, પરીક્ષાઓ સંપૂર્ણ શાંતિથી અને સીસીટીવી સર્વેલન્સ હેઠળ લેવામાં આવી છે. કોઈ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તે જરૂરી છે. જો પેપર વાયરલ થયું હોય તો પણ તેના જવાબો કેવી રીતે વર્ગખંડમાં પહોંચી શકે, કારણકે કોઈપણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈને વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં જવા દેવામાં આવતા નથી. જો આમ થયું હોય તો પણ જવાબો પરીક્ષા આપનાર વિદ્યાર્થી સુધી કોઇપણ સંજોગોમાં પહોંચી શકે નહીં. તેમ છતાં આ સમગ્ર ઘટનાની બોર્ડના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે, તેના માટે સાયબર ક્રાઇમની પણ મદદ લેવામાં આવશે. સરકાર – શિક્ષણ તંત્રને બદનામ કરવાના ઈરાદે કોઈકે આવું કર્યું હોવું જોઈએ, તેવું પણ તેમણે કહ્યું હતું.