Gujarat

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે, શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Education Board) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી 2025 થી 13 માર્ચ 2025 દરમિયાન લેવાનું આયોજન છે. જ્યારે શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શૈક્ષણિક વર્ષ 2024-25ના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં ધોરણ 9 થી 12ની તમામ પ્રવાહોની પ્રથમ પરીક્ષા તા. 14 ડિસેમ્બર 2024 થી 23 ડિસેમ્બર 2024 દરમિયાન લેવાશે. જ્યારે પ્રિલિમ- દ્વિતીય પરીક્ષા 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2025 દરમિયાન લેવાશે.

ધોરણ 9ની પ્રખરતા શોધ કસોટી 30મી જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. આ ઉપરાંત બોર્ડના વિષયોની શાળા કક્ષાએ લેવાનારી પરીક્ષા સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક ધોરણ 10 અને 12 તમામ પ્રવાહોની 31 જાન્યુઆરી 2025 થી 4 ફેબ્રુઆરી 2025 દરમિયાન લેવામાં આવશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 6ઠ્ઠી ફેબ્રુઆરી-25 થી શરૂ થશે. જે 14 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે.

શૈક્ષણિક વર્ષ 2024-25નું પ્રથમ સત્ર તા. 13 જૂન 2024 થી 27 ઓક્ટોબર 2024 સુધી એટલે 108 દિવસ કાર્ય દિવસ ગણાશે. જ્યારે દિવાળી વેકેશન 28 ઓક્ટોબર 2024થી 17 નવેમ્બર 2024 સુધી 21 રજાના દિવસ ગણાશે. દ્વિતીય સત્ર તા. 18 ઓક્ટોબર 2024 થી 4 મે 2025 સુધી જેમાં 135 કાર્ય દિવસ રહેશે અને ઉનાળુ વેકેશન 5 મેં 2025 થી 8 જૂન 2025 એમ 35 દિવસ ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. આગામી નવા વર્ષનું શૈક્ષણિક સત્ર 2025-26નું પ્રથમ સત્ર 9 જુન 2025 થી શરૂ થશે.

Most Popular

To Top