અમદાવાદ: રાજ્યની ભાજપ (BJP) સરકારમાં સંગ્રહખોરો અને કાળાબજારીઓ બેફામ બન્યા છે, જેને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. અસહ્ય ભાવ વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે. સીંગતેલ અને કપાસિયા તેલના (Oil) ડબ્બાના ભાવ બમણા થઈ જતાં ગૃહિણીઓનું બજેટ (Budget) પણ ખોરવાયું છે. સાથે જ અસહ્ય મોંઘવારીથી ગૃહિણીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
રાજ્યમાં અસહ્ય મોંઘવારીના મુદ્દે રાજ્યની ભાજપ સરકારને આડે હાથે લેતાં પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. કિરાણા ખર્ચમાં છ મહિનામાં 9.3 ટકા અને બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો સામનો ગૃહિણી કરી રહી છે. ઘરનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. સીંગતેલ – કપાસીયા તેલના ડબ્બાના બમણા ભાવ, તેલમિલરો અને ભાજપ સરકારની સાંઠગાંઠથી જનતા પરેશાન છે. સીંગતેલના એક ડબ્બાનો ભાવ 2600 રૂપિયા, પામોલીન તેલના 2400 રૂપિયા અને સોયાબિન તેલના 2200 રૂપિયા થઈ ગયા છે. કપાસીયા અને સીંગતેલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. સાબું , ટુથપેસ્ટ, માઉથવોશ, શેમ્પુના ભાવમાં પણ ફરી વધારો કંપનીઓ કરી રહી છે, દશ ટકા ભાવ વધારાથી પરિવારોનું બજેટ ખોરવાયું છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ ભાવ વધારો થયો હતો. તેલ, મસાલા, સાબુ, સોડા સહિતની જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવથી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે.
આવક – પગારમાં ઘટાડો, ખર્ચા અને મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે : ડો. મનીષ દોશી
ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે વર્ષ 2014-15થી વર્ષ 2021-22ના આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલનીત એક્સાઈઝ ડ્યુટીમાં સતત વધારો ઝીંકીને 26 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી, લૂંટ ચલાવી છે. થોકબંધ ડીઝલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરને લીધે ભારતીય રેલવે અને ભારતીય સેનાને મોટો ફટકો પડશે. આવક – પગારમાં ઘટાડો, ખર્ચા અને મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, સીએનજી સહિતના ભાવમાં કમરતોડ ભાવ વધારાથી જનતા ત્રાહિમામ થઈ રહી છે. દૂધ, દહીં, છાસ, શાકભાજીના આસમાનને આંબતા ભાવથી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે.