ગાંધીનગર: ભાજપ અને કોંગ્રેસ દ્વારા હવે વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને બન્ને પાર્ટીઓ દ્વારા ગાંધીનગરમાં ડિનર ડિપ્લોમસી શરૂ કરાઈ છે. જેના પગલે ગાંધીનગરમાં રાજનીતિનો માહોલ ગરમાયેલો છે. આ રાત્રી ભોજન સમારંભોમાં હવે તો કોની ટિકીટ કપાશે અને કોને મળશે, તેની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે સવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ્થાને ભાજપના લોકસભા તથા રાજ્યસભાના 34 જેટલા સાંસદોની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા ભાજપના સંગઠ્ઠન મહામંત્રી બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓના લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા તથા ગામડાના માનવી સુધી સંપર્ક સૂત્ર સ્થાપિત કરવા તાકિદ કરી હતી. ભાજપના સાંસદોને તેમના મત વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકો પૈકી જે બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયેલા હોય ત્યાં લોક સંપર્ક વધારવા પણ સૂચન કરાયું છે.
બીજી તરફ મંગળવારે રાત્રે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરના તેમના નિવાસ્થાને રાત્રી ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આવતીકાલે કોંગ્રેસ વિધાનસભા પક્ષના દંડક સી જે ચાવડાનો જન્મદિન છે, જેના પગલે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ આવતીકાલે તેમના નિવાસસ્થાને રાત્રી ભોજન સમારંભનું આયોજન કર્યું છે.
કોંગ્રેસમાંથી યુવા ચહેરાઓને ટિકીટ આપવા વિચારણા
વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહયું હતું કે ભાજપની જે રીતે તૈયારીઓ ચાલી રહી છે, તે જોતા મને તો એવું લાગે છે કે વહેલી ચૂંટણી આવી જશે. જો વહેલી ચૂંટણી આવી જાય તો અમે તેના માટે તૈયાર છીયે. રાઠવાએ કહ્યું હતું કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નેતાગીરી દ્વારા યુવા ચહેરાઓને મોટા પાયે ટિકીટ આપવાની વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા પણ આવતીકાલે યોજાનાર ડિનરમાં હાજર રહેશે, તેમ મનાય છે. અલબત્ત, બન્ને પાર્ટીઓમાં કોની ટિકીટ કપાશે, કોને મળશે તે જ ચર્ચા ચાલી રહી છે.