અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) લઇ કોંગ્રેસ (Congress) એક્શન મોડમાં (Action Mode) આવી ગઈ છે. કોંગ્રેસ પ્રજાની વચ્ચે જવા માટે આવતીકાલથી જ અને કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આવતીકાલે રાજ્યભરમાં ધારણા પ્રદર્શન યોજવામાં આવશે.
પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારીના ગંભિર પ્રશ્નને વાચા આપવા તા. 27 ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ તાલુકા મથકો ઉપર કોંગ્રેસ પક્ષ ધરણા પ્રદર્શન કરી નાગરિકોને પડતી હાલાકીને ઉજાગર કરશે. પેટ્રોલ હોય કે ડીઝલ, સી એન જી હોય કે પી એન જી, રાસાયણિક ખાતર હોય કે બિયારણ, દવાઓ, ખાધ્ય સામ્રગી હોય કે જીવન જરૂરિયાત અન્ય ચીજવસ્તુઓ એકપણ એવી વસ્તુ બચી નથી જેમાં ભાજપ સરકારે દુધ, દહીં, પનીર, છાશ, લોટ જેવી ખાધ્ય પ્રદાથો પર જીએસટી થોકી બેસાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધું છે.
ભાજપ સરકારે અઢી ગણાં ભાવ વધારા સાથે 3000 સુધી પહોંચાડી દીધો છે. સિંગતેલનો ડબ્બો 1370માં મળતો હતો તેને 3000ની રેકોર્ડ સપાટી પર પહોંચાડી દીધો છે. ગેસ સિલિન્ડરમાંથી સબસીડી ગાયબ કરી દીધી છે. 410 મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1060માં મળી રહ્યો છે. પેટ્રોલ પ્રતિ લિટર 64 મળતું હતું, જેને વધારીને 96 સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે, તેમાં પણ રોજે રોજ ભાવ વધારો ચાલુ છે. ડીઝલ પ્રતિ લિટર 54 રૂપિયે મળતું હતું તે 92 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યું છે.
10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં ‘સાંકેતિક ગુજરાત બંધ’
ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તા. 24 – 25 – 26 સપ્ટેમ્બરના રોજ ‘બુથ ચલો… ઘર ઘર ચલો…’ ના સંકલ્પ સાથે ગુજરાત કોંગ્રેસનું સમગ્ર નેતૃત્વ પોત પોતાના બુથમાં 150થી 200 કુટુંબોની મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર માટે વિશાળ જનસંપર્ક અભિયાન કરશે. જે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા 1500 થી વધુ પ્રદેશના આગેવાનો, પદાધિકારીઓની યાદી તૈયાર કરાઈ છે. રાજ્યના તમામ 52000થી વધુ બુથોનો પ્રવાસ કરાશે. ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, કાયદો વ્યવસ્થા, ડ્રગ્સ – દારૂ ની મોટા પાયે હેરાફેરી, કથળતી અર્થ વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં ‘સાંકેતિક ગુજરાત બંધ’ નું આહવાહન કરવામાં આવ્યું છે. આ બંધમાં વેપારી મહામંડળો, મહિલા મંડળો, સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓ, લઘુ ઉદ્યોગોના મંડળો સહિત જુદી જુદી સંસ્થાઓના એસોસિએશનોને મોંઘવારી, બેરોજગારી, જી.એસ.ટી.ની અણઘડ અમલીકરણ સહિતના મુદ્દે જોડાવા આમંત્રણ સાથે આહવાહન કરવામાં આવ્યું છે.
15 સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરાશે
તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય કાર્યકર સંમેલન’ને સંબોધન કરશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ દ્વારા કરવામાં આવેલી તા. 15 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ પક્ષના વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી પ્રસિદ્ધ કરવાની જાહેરાત અંતર્ગત કોંગ્રેસ પક્ષની રાષ્ટ્રીય સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન રમેશ ચેનીથલ્લા, સભ્ય શિવાજીરાવ મોંઘે, સભ્ય જયકિશન સાથે ગુજરાત પ્રદેશની સ્ક્રિનિંગ કમિટીની પ્રથમ બેઠક તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ અમદાવાદ ખાતે યોજાશે.