Gujarat

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક – 2021 વિધાનસભામાં પસાર

GANDHINAGAR : આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, 2021 પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે,  છેવાડાના માનવી સુધી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પહોંચાડી તેમની જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.


તેમણે કહ્યું હતું કે સંસદના અધિનિયમમાં સમાવિષ્ટ ઘોષણાથી પ્રેરીત અને પ્રોત્સાહિત થઇને, રાજ્ય સરકારે અસંખ્ય જાણીતા અથવા અજાણ્યા ઋષિઓ સહિત અથર્વવેદ  અને મહર્ષિ ચરક દ્વારા રજુ કરવામાં આવેલા આયુર્વેદનું પ્રાચીન જ્ઞાન આપતી સંસ્થાઓ અને કોલેજોમાં, સંસ્થાઓ અને કોલેજો, રાજ્ય તેમજ દેશના લોકોમાં જ્ઞાનનો ફેલાવો કરવામાં નવા શિખરો સર કરે તે હેતુથી, આયુર્વેદમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને સંસ્થાઓ તથા કોલેજોના વહીવટમાં વ્યવસાયીકરણ લાવવાની કામગીરી હાથ ધરી છે. આ હેતુ પાર પાડવા માટે વિદ્યમાન સંસ્થાઓ અને કોલેજોના શિક્ષણ અને વહીવટને વેગવંતો બનાવવાથી, ઔષધ આયુર્વેદ પધ્ધતિમાં ઉંડાણપૂર્વકના સંશોધન દ્વારા નવી શિક્ષણ પધ્ધતિ વિકસીત કરી શકાશે જેથી કરીને, એલોપેથીક, હોમિયોપેથીક, ઔષધની પધ્ધતિઓની સાથે, આયુર્વેદ પધ્ધતિ એક સુસજ્જ અને આધુનિક તબીબી પધ્ધતિ બની શકે.

રાજ્ય સરકાર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ-1965 રદ કરી અને કેટલીક વધુ સમય માંગી લેતી પ્રક્રિયાઓ દૂર કરીને નવી અસરકારક રૂપરેખામાં તેને ફરીથી અધિનિયમીત કરશે. આયુર્વેદ યુનિવર્સિટી અને કોલેજોના વહીવટની નવી પધ્ધતિઓમાં પણ તેનો  સમાવેશ કરાશે. આજના આધુનિક યુગમાં આપણી સદીઓ પુરાણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ ઘણી કારગર પુરવાર થયેલ છે. પ્રાચીનકાળથી રોગોના ઉપચાર તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે તથા શરીરના વિવિધ પ્રકારના રોગોના નિદાનનું કરવા,  સ્ત્રી તથા બાળરોગોનો અસરકારક નિરાકરણ કરવા દેશમાં ઉપલબ્ધ જડીબુટ્ટી, વનસ્પતિઓ તથા અન્ય સંસાધનોનો ઉપયોગ કરી, વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ શરૂ કરવામાં આવી છે. ભારત દેશ વિવિધ રસાયણોનો ઉપયોગ કરી પ્રાચીન કાળથી આરોગ્ય ક્ષેત્રે સમૃધ્ધ રહ્યો છે.

કાળક્રમે એલોપથી ચિકિત્સા પધ્ધતિની આડઅસરોના કારણે રોગ પ્રતિકારક શકિતઓમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આર્યુવેદ તથા ભારતીય ચિકિત્સા પધ્ધતિઓનો પ્રસાર-પ્રચાર થાય, નવી ક્ષિતિજો ખૂલે, લોકો ભારતીય ચિકિત્સા પધ્ધતિ તરફ વળે, તે માટે ભારતીય ચિકિત્સા પધ્ધતિના નિષ્ણાતોની સંખ્યા વધારવા અને ગ્રામીણ સ્તર સુધી છેવાડાના માનવી સુધી ભારતીય ચિકિત્સા પધ્ધતિ પહોચે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top