અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટીકલ કંપનીના યુનિટમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો અંદાજે રૂપિયા 31 કરોડની કિંમતનો આશરે 1410 લિટરનો જથ્થો પકડી પાડ્યો છે.
- ગુજરાત એટીએસ દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટીકલ યુનિટમાં રેડ કરાઈ
- યુનિટમાંથી ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો આશરે 1410 લીટરનો જથ્થો પકડ્યો
ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ. પી.બી.દેસાઈને ગુપ્ત માહિતી મળી હતી કે, ભરૂચ જિલ્લાના દહેજ જોલવા જી.આઇ.ડી.સી.માં પ્લોટમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ચીફ કેમીસ્ટ પંકજ રાજપુત દ્વારા ટ્રામાડોલ બનાવવામાં આવી રહ્યું છે. માહિતીને પગલે ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા ગુપ્ત રાહે તપાસ તેમજ ટેકનીકલ એનાલિસીસ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગુજરાત એ.ટી.એસ.ના ટીમે એસ.ઓ.જી. ભરૂચ સાથે મળી બાતમી વાળી જગ્યા ખાતે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમ્યાન ફાર્મા કંપનીના પંકજ રાજપુત પાસેથી રૂ. 31.02 કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ટ્રામાડોલનો આશરે 1410 લીટરના ગેરકાયદેસર જથ્થા સાથે મળી આવ્યો હતો. આ જથ્થાને તપાસ અર્થે સીઝ કરવામાં આવ્યો છે.
પ્રોસેસ બાદ ટ્રામાડોલ અમદાવાદ મોકલી દેવાતું હતું
ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડાયેલા આરોપી પંકજ રાજપૂતની પૂછપરછ તેમજ પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત સીઝ કરવામાં ગેરકાયદેસર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો પંકજ રાજપૂત તથા નિખિલ કપૂરીયાનાઓએ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા જરૂરી ટ્રામાડોલ એપીઆઈ (Active Pharmaceutical Ingredient) માટે આ પ્રવાહી ટ્રામાડોલનો સંગ્રહ કર્યો હતો.
નિખિલ કપૂરીયા તથા પંકજ રાજપૂત ટ્રામાડોલ API બનાવવા માટેના જરૂરી રો- મટીરીયલ અને કેમીકલ સરખેજ, અમદાવાદ ખાતે આવેલ શ્રીજી સાયન્ટીફીકના માલિક હર્ષદ કુકડીયાનાઓ પ્રોસેસીંગ માટે આપતા હતા. પ્રોસેસીંગ બાદ તૈયાર થયેલો ટ્રામાડોલ API નિખિલ કપૂરીયા તથા પંકજ રાજપૂતનાઓ હર્ષદ કુકડીયાનાઓને સરખેજ ખાતે મોકલી આપતા હતા.
ગેરકાયદે ટેબ્લેટ ઉત્પાદનનું આખું સ્કેમ ચલાવવામાં આવતું હતું
શ્રીજી સાયન્ટીફીકના માલિક હર્ષદ કુકડીયાનાઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, તે કેવલ ગોંડલીયાના સંપર્કમાં હતો. હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ ટેબ્લેટના જથ્થાના ઉત્પાદન માટે જરૂરી API અંકલેશ્વરના પંકજ રાજપુત તથા મારૂતી બાયોજેનીકના માલીક નીખીલ કપૂરીયા પાસેથી તૈયાર કરાવી કેવલ ગોંડલીયાને સપ્લાય કરતો હતો.
આ રીતે તૈયાર થનાર ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન તથા પેકેજીંગ કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલનાઓની સૂચના મુજબ ધણોટ, છત્રાલ ખાતે આવેલ ડીનાકોર ફાર્મા પ્રા.લિ. ના માલીક આનંદ પટેલ અને અંકિત પટેલનાઓ દ્વારા કરવામાં આવતું હતું, જે ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો કેવલ ગોંડલીયા અને હર્ષિત પટેલ દ્વારા આગળ સપ્લાય કરાતો હતો.
એ.ટી.એસ. દ્વારા ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી પંકજ રાજપુત તથા નીખીલ કપૂરીયાનાઓની ધરપકડ ધરવામાં આવી છે તથા અન્ય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પશ્ચિમ આફ્રિકામાં ગેરકાયદે નિકાસ કરાતી
પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે, મુંદ્રા કસ્ટમ્સ વિભાગ દ્વારા તા. ૨૮/૦૭/૨૦૨૪ના રોજ કચ્છ જીલ્લાના મુંદ્રા ખાતે એક શંકાસ્પદ એક્સ્પોર્ટ કન્ટેઈનરમાં સર્ચ હાથ ધરવામાં આવી હતી, જે દરમ્યાન ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિઓન અને નાઇજીરિયા ખાતે એક્સ્પોર્ટ થનાર રૂ. ૧૧૦ કરોડની કિંમતની કુલ ૬૮ લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો ઉપરોક્ત આરોપીઓ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવ્યો હતો.