અમદાવાદ: દેશમાં લોકસભાની ચૂંટણીનું પાંચમા તબક્કાનું આજે તા. 20 મેના રોજ મતદાન ચાલી રહ્યું છે ત્યારે આજે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી ગુજરાત એટીએસએ આઈએસઆઈએસ(ISIS)ના ચાર આતંકવાદીની (Terrorist) ધરપકડ (Arrest) કરતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લાં ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા સોનાની દાણચોરી અને અન્ય કિંમતી ચીજવસ્તુની દાણચોરીને અંકુશ મુકવા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન એજન્સીઓને બાતમી મળી હતી કે શ્રીલંકન નાગરિકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. આ બાતમીને આધારે અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાત એટીએસએ ચાર આતંકીઓને પકડ્યા છે.
સૂત્રો અનુસાર ચાર ઈસમોની અટકાયત કરવામાં આવી છે. આ ચારેય જણા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે. આ ચારેય જણા અમદાવાદ એરપોર્ટ પર કેમ આવ્યા? શું આતંકી સંગઠન આઈએસઆઈએસ ગુજરાત કે ભારતમાં કોઈ મોટો હુમલો પ્લાન કરી રહી છે? તેમના કોઈ સ્લીપર સેલ છે? કે કેમ તે દિશામાં ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
IPLની મેચો વચ્ચે આતંકીઓ પકડાતા અમદાવાદમાં એલર્ટ
આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. આ ટીમોમાંથી બપોરે 12:30 કલાકે આરસીબીની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, આમ એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઉભી થઈ છે.