Gujarat

પાકિસ્તાનની બોટ પોરબંદર તરફ જઈ રહી હતી, ATSને જોઈ ડ્રગ્સ ભરેલા ડ્રમ્સ પાણીમાં ફેંકી દીધા, પછી..

રાજ્યની દરિયાઈ સરહદમાંથી વધુ એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ગઈ તા. 12-13 એપ્રિલના રોજ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ પકડાયો છે. પાકિસ્તાની બોટમાં ડ્રગ્સની હેરફેર કરાતી હતી. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. ત્યાર બાદ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો.

આ અંગે માહિતી આપતા ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ કહ્યું ગુજરાત ATSને એક ખાનગી બાતમીદારથી ડ્રગ્સની હેરફેર અંગેની માહિતી મળી હતી. પાકિસ્તાનનો ફીદા નામનો ડ્રગ માફિયા 400 કિલો જેટલો ગેરકાયદે માદક પદાર્થ પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરી 12 એપ્રિલે સાંજે 8 વાગ્યાથી 13 એપ્રિલના સવારે 4 વાગ્યા દરમિયાન પોરબંદરના IMBL (International Maritime Boundary Line) નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો હતો.

આ ડ્રગ્સ ચેનલ નંબર 48 પર પોતાની કોલ સાઇન ‘રમિઝ’ના નામથી તમિલનાડુની કોઈ બોટને ‘સાદિક’ના નામે બોલાવી તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવામાં આવનાર હતું. પાક્કી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

બાતમીને આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન IMBL (International Maritime Boundary Line) નજીક શંકાસ્પદ બોટ દેખાતા તેને કોસ્ટગાર્ડની શીપ દ્વારા પકડવાના પ્રયાસ કરાયા હતા, પરંતુ બોટ પર રહેલા ઇસમોએ બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા હતા અને IMBL (International Maritime Boundary Line) તરફ આગળ વધવા લાગ્યા હતા. કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટનો પીછો કર્યો હતો પરંતુ આ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગઇ હતી. જ્યારે દરિયામાં નાંખેલા તમામ ડ્રમ્સ કોસ્ટ ગાર્ડ દ્વારા રિક્વર કરવામાં આવ્યા હતા.

ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા રીકવર કરેલા ડ્રમ્સની તપાસ કરતા તેમાં કુલ 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. જેની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિં.રૂ. 1800 કરોડ થાય છે, જે બાબતે ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સ મોકલનારનું નામ આગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top