ગાંધીનગર : આગામી તા.19 અને 20મી ડિસેમ્બર દરમિયાન બે દિવસ માટે ગુજરાત (Gujarat) વિધાનસભાનું બે દિવસીય સત્ર મળનાર છે. સત્રના પ્રથમ દિવસે પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ ગૃહની કાર્યવાહીનો પદભાર સંભાળીને નવા તમામ ધારાસભ્યોને હોદ્દો તથા ગોપનીયતાના શપથ લેવડાવશે. જયારે સત્રના બીજા દિવસે વિધાનસભાના અધ્યક્ષની વરણી કરાશે, જેમાં ભાજપના હાઈકમાન્ડ જે નામ સૂચવે તે સિનિયર ધારાસભ્યની અધ્યક્ષ તરીકે પસંદગી કરાશે. જેમાં કેટલાય સિનિયર સભ્યોના નામો ચર્ચામાં આવી ગયા છે.જો કે તેમાં ઉત્તર ગુજરાતના કોઈ સિનિયર સભ્યનું નામ હાલ પુરતું ચર્ચામાં નથી.
- પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે
- 20મી એ નવા અધ્યક્ષ ની વરણી કરાશે
- વિપક્ષના નેતા તરીકે સી.જે.ચાવડાની પંસદગી થવાની સંભાવના
બીજી તરફ કોંગ્રેસને વિપક્ષનું પદ મળે તેમાં હાલ પુરતી કોઈ અડચણ નથી. ભાજપની નેતાગીરીએ કોંગ્રેસને વિપક્ષનું પદ મળે તો —-તેમાં કાંી વાંદા સરખુ નથી—- તેવા સંકેત આપ્યા છે. હમણાં બે દિવસથી ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં ઝોનવાઇઝ કોંગીની હારના કારણોનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. તેની સાથે સાથે કોંગ્રેસની નેતાગીરી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવા ? તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવા અનિચ્છા દર્શાવી છે, ત્યારે એક સિનિયર ધારાસભ્ય તરીકે લડાયક નેતાગીરી ધરાવતા વિજાપુર બેઠક પરથી વિજયી બનેલા સી જે ચાવડાનું નામ પણ ચર્ચામાં મોખરે છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં 17 બેઠકો મળી છે. અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારોએ હારના કારણોના મામલે કકળાટ શરૂ કર્યો છે. કોંગ્રેસની કેન્દ્રિય નેતાગીરીએ ગુજરાતમાં જ કોઈ પ્રચાર જ નથી કર્યો, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધીએ ગુજરાતમાં કેમ પ્રચાર નથી કર્યો તે મામલે પ્રશ્નો ઊભા કર્યા છે. ઉત્તર ગુજરાતના કોંગીના ઉમેદવાર રઘુ દેસાઈએ પણ પાર્ટીની કેન્દ્રિય નેતાગીરી તથા કાર્યકરોના માથે ઠીકરૂ ફોડયું હતું.