ગાંધીનગર : રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકની આશાવર્કર (Aasha Worker) બહેનો દ્વારા ચાલી રહેલી હડતાળ સંદર્ભે તેમની તમામ માંગણીઓ સંતોષાતા આશાવર્કર બહેનોનના એસો. દ્વારા હવે હડતાળ સમેટ લેવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર સાથે થયેલી ચર્ચા મુજબ ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે 3 હજારનું માસિક ભથ્થુ અપાય છે તેમાં 2 હજારનો વધારો કરીને હવે 5 હજારનું ભથ્થુ આપવા નિર્ણય કરાયો છે. ચર્ચા બાદ આશા વર્કર એસો દ્વારા હડતાળ તાત્કાલિક પરત ખેચવાનો નિર્ણય કરાયો છે. આ તમામ કર્મીઓ ત્વરિત તેમની સેવાઓમાં જોડાઈ જશે.
આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીની સભ્યો જીતુ વાધાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંધવી, બ્રિજેશ મેરજા, નિમીષાબેન સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ ફળદાયી બેઠકમાં તેઓની માંગણીઓ સંદર્ભે હકારાત્મક નિર્ણય લેવાતા હડતાળ પાછી લેવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આશા બહેનોને બે સાડી આપવાની માંગણી તથા કામગીરી અંગે જે વહીવટી સુધારણાને લગતા પ્રશ્નોના નિવારણ માટે પણ જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચનાઓ આપી દેવાઈ છે.