એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 મુસાફરો હતા. જેમા 232 મુસાફરો, 2 પાયલટ અને ક્રૂ મેમ્બર સહિત 10 લોકોનો સ્ટાફ હતો. મુસાફરોમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. લગભગ 100 જેટલી લાશો કાઢવામાં આવી હોવાના સમાચાર છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી. તે બપોરે 1.40 વાગ્યે ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ વિમાન એરપોર્ટની દિવાલ અને એર કસ્ટમ કાર્ગો ઓફિસ પાસે ક્રેશ થયું હતું. વિમાન પડતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં અકસ્માત સ્થળ પરથી 100 મૃતદેહ મળી આવ્યા છે. વિમાન જે ઇમારત સાથે અથડાયું હતું તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો રહેતા હતા. માહિતી મુજબ 15થી વધુ ડોકટરો ઘાયલ થયા છે.
અકસ્માતનો ભોગ બનેલું વિમાન અમેરિકન કંપની બોઇંગનું 787-8 ડ્રીમલાઇનર વિમાન હતું. ટાટા ગ્રુપની એરલાઇન કંપની- એર ઇન્ડિયા અમદાવાદથી લંડન માટે દરરોજ ફ્લાઇટ ચલાવે છે. બોઇંગ 787-8 માં બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસમાં કુલ 254 થી 267 બેઠકો હોય છે.
આ દરમિયાન પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરી છે. નાયડુએ પીએમ મોદીને અકસ્માત અંગે માહિતી આપી હતી. આ સાથે મંત્રી રામ મોહન નાયડુ પોતે અકસ્માતનું નિરીક્ષણ કરવા અમદાવાદ જઈ રહ્યા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ જઈ રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમદાવાદમાં થયેલ દુ:ખદ વિમાન દુર્ઘટનાનું હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી. ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને તાત્કાલિક અકસ્માત સ્થળે રવાના કરવામાં આવી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સાથે વાત કરી છે.
ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને તમામ કેન્દ્રીય સહાયનું વચન આપ્યું છે.
ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા
પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા છે. અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા.