Gujarat

અમદાવાદના ખોખરામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાંખ્યું, કાલે ખોખરા બંધનું એલાન

અમદાવાદ : દેશભરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું હોવાને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેવામાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો હિન પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સાથે જ આ પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કરનાર તત્વોને તાત્કાલિક પકડી સખત પગલા ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ઉપરાંત આવતી કાલે ખોખરાબંધનું એલાન પણ આપવામાં આવ્યું છે.

શહેરના ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલી પાસે આવેલી ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અંગે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસે જણાવ્યું હતું કે આ હિન કૃત્ય દલિત વિરોધી માનસિકતા ધરાવતા અને મનુ સ્મૃતિમાં માનનારા તોફાની તત્વો દ્વારા કરવામાં આવ્યું હોવું જોઈએ. સાથે જ સમાજ, સમાજ વચ્ચે વિખવાદ થાય અને દ્વેષ ઉભો થાય તે માટે આ પ્રકારનું હિન કૃત્ય કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ, અને જવાબદાર અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો સરકાર આ અંગે તાત્કાલિક કોઈ પગલા નહીં લેતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે.

Most Popular

To Top