National

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ATS કરશે: ઉચ્ચ સ્તરીય સમિતિની રચના, NIA ટીમ પણ ઘટનાસ્થળે

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસની તપાસ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) કરશે. આ કેસમાં ક્રેશ સ્થળ પરથી એક DVR મળી આવ્યો છે જેને ATS દ્વારા પોતાના કબજામાં લેવામાં આવ્યો છે. ગુજરાત ATS ટીમ આ કેસમાં સમાંતર તપાસ કરી રહી છે. બીજી તરફ ફોરેન્સિક ટીમે ક્રેશ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા છે જેને તપાસ માટે મોકલવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. આ પછી પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર સમીક્ષા બેઠક યોજી હતી. વિમાનના કાટમાળમાંથી DVR મળ્યા બાદ અકસ્માતની તપાસ તેજ થઈ ગઈ છે. સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે.

NIA ટીમ ઘટનાસ્થળે પહોંચી
કેન્દ્રીય તપાસ એજન્સી NIA ની ટીમ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અધિકારીઓએ શુક્રવારે (13 જૂન) આ માહિતી આપી.

ફ્લાઇટનું એક બ્લેક બોક્સ મળ્યું
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી ગયું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.

એર ઇન્ડિયા ફ્લાઇટનો ડેટા રેકોર્ડર મળ્યો
અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટનો ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર બંને મળી ગયા છે. ટૂંક સમયમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પાછળનું કારણ પણ બહાર આવશે.

ઉડ્ડયન મંત્રાલયના ભૂતપૂર્વ સંયુક્ત સચિવ ડો. સનત કૌલે અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટી વાત કહી છે. તેમણે જણાવ્યું છે કે DGCA એ એર ઇન્ડિયાને ઘણી વખત પત્રો લખ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બોઇંગ 100 વર્ષ જૂની કંપની છે પરંતુ ગયા વર્ષથી તેમાં ઘણી ફરિયાદો આવી રહી હતી. અમેરિકાએ પણ તપાસ કરી હતી.

એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે ગુરુવારે (12 જૂન) લંડન જઈ રહેલું પેસેન્જર પ્લેન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર જેનો ફ્લાઇટ નંબર AI-171 છે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. પ્લેનમાં સવાર 241 લોકોના મોત થયા હતા.

એર ઇન્ડિયાએ ગુરુવારે મોડી રાત્રે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમને એ જણાવતા દુઃખ થાય છે કે વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મૃત્યુ થયા છે. એકમાત્ર બચી ગયેલા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત દુર્ઘટના પછી વિમાનનો મોટો ભાગ નજીકની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ હોસ્ટેલ પડ્યો હતો જેના કારણે આખી ઇમારતને નુકસાન થયું હતું. દુર્ઘટના સ્થળે પણ 24 લોકોના મોત થયાના અહેવાલ છે. એટલે કે આ અકસ્માતમાં કુલ 265 લોકો માર્યા ગયા છે.

Most Popular

To Top