Comments

ગુજરાત ફરી રાજકીય પ્રયોગની ભૂમિ બનશે?

કોંગ્રેસ મરી રહી છે તેનો શોક લોકશાહી તંત્રવાળા દેશનાં નાગરિકોએ કરવાનો ન હોય. તેણે તો એ જ જોવાનું હોય કે જે રાજકીય વિકલ્પો ઊભરી રહ્યા છે તે દેશના સમગ્ર તંત્રને અને જીવનને ઉપકારક નીવડી શકે એમ છે કે નહીં. કોંગ્રેસ કાંઇ ભાજપને કારણે નથી મરી રહી, પોતાની મર્યાદાઓને કારણે મરી રહી છે.

ભારતીય જનતા પક્ષમાં જે પ્રકારનું સત્તાનું ઝનૂન છે તેવું આજના કોઇ પક્ષમાં નથી અને તેમના ઝનૂનને મદદ કરવા  તેમની પાસે કેન્દ્ર-રાજયમાં શાસક હોવું પણ મદદ કરે છે. તેઓ મતદાતા પર ભરોસો કરીને બેસી નથી રહેતા, આક્રમકતાપૂર્વક ચુસ્ત આયોજન કરે છે. ભાજપને અત્યારે નાના સ્તરે પડકારી શકે એવા પક્ષ છે તે ‘આપ’ અને ‘તૃણમૂલ કોંગ્રેસ’ છે.

તૃણમૂલ કોંગ્રેસ જો કે પશ્ચિમ બંગાળ સ્તરેથી આગળ વધી રાષ્ટ્રવ્યાપી થવાની ઇચ્છા ધરાવતી નથી, પણ ‘આપ’ના કેજરીવાલ શરૂઆતથી જ રાષ્ટ્રવ્યાપી સત્તાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે પણ તેમની પાસે નેતાઓ નથી અને રાષ્ટ્રસ્તરીય માળખું નથી. આઝાદી પછીના રાજકારણનો સૌથી આક્રમક તબકકો ઇન્દિરા ગાંધીના સમયથી શરૂ થયો. ઉઘાડી અનીતિ અને રાજકીય મૂલ્ય હ્રાસ પણ આ સમય દરમ્યાન જ અનુભવાયો. ભાજપ અને નરેન્દ્ર મોદીના શાસનમાં તેનો જ બીજો વધુ આક્રમક તબકકો અનુભવાઈ રહ્યો છે.

કરુણતા એ છે કે રાજનેતાઓ જ નહીં નાગરિકો સ્વયં પણ ભ્રષ્ટ અને બદમાશીના, ડરના તત્ત્વને સ્વીકૃતિ આપી ચૂકયો છે. હમણાં ગુજરાતમાં છ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થઇ અને ભારતીય જનતા પક્ષનો પ્રચંડ વિજય થયો. આ માટે પક્ષાધ્યક્ષ સી.આર. પાટિલ અને રૂપાણીના મુખ્ય મંત્રીપદ હેઠળ ચાલી રહેલા શાસનને જરૂર બિરદાવી શકાય, પણ સાથે જ તેમને જીતાડવામાં મોટી ભૂમિકા સ્વયં કોંગ્રેસની છે.

તે વિકલ્પ તરીકે ઊભો રહેવા જ તૈયાર નથી તો લોકો કેવી રીતે તેને મત આપે? જે નાના વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે તે એઆઇએમઆઇ એમ એટલે કે અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ અને ‘આપ’ છે. ભારતીય જનતા પક્ષને સાવધ થવા દોરવે એવી આ પક્ષોની જીત છે. અત્યારે આ બે પક્ષોના વિજય મોટા નથી પણ આવતા વર્ષે વિધાનસભા માટે ભાજપ જયારે ચૂંટણી-યુદ્ધમાં ઊતરશે ત્યારે આ વિશે ગંભીરતાથી વિચારવું પડશે.

ગંભીરતાથી એટલા માટે કે ભાજપ હંમેશા હિન્દુત્વને આગળ કરીને જ મત માંગે છે. દેશની મહત્ત્વની લઘુમતી તરીકે મુસ્લિમોને ગણાવી શકો કે જેના પ્રભાવ હેઠળ જ દેશવિભાજનની અનિવાર્યતા ઊભી થઇ હતી. અત્યાર સુધી એ લઘુમતીને કોંગ્રેસનો આશ્રય હતો, પણ કોંગ્રેસ મરતી ગઇ એટલે ભાજપને વાંધો નહોતો. તેને મુસ્લિમ ઉપેક્ષા પોષાય તેવી હતી, પણ હવે  ઓવૈસીનો પક્ષ વિકલ્પ બનવા તૈયાર છે.

જો આ પક્ષ વધુ ને વધુ સ્વીકૃતિ પામે તો દેશમાં કોમી એખલાસનું વાતાવરણ રહી ન શકે. અલબત્ત, અત્યારે ય  નથી, પણ મુસ્લિમોને કોઇ રાજકીય આધાર નહોતો. હવે ઔવેસી આધાર બનવા પ્રયત્નશીલ છે. ભાજપ જે રીતે હિન્દુ માટે લડવાનો દાવો કરે છે  એવો જ દાવો મુસ્લિમો માટે ઔવેસી કરે છે અને જો તે સફળ જાય તો ફરી બંને કોમ સામસામે આવી જશે, જે કોઇ પણ રીતે યોગ્ય નથી. મોદીનું એક સૂત્ર છે.

‘સબકા સાથ, સબકા વિકાસ’ પણ એ સૂત્ર સમગ્ર શાસકીય તંત્ર વડે લોકોનો અનુભવ બને એવું જણાયું નથી. બાકી, એ સૂત્ર સાચા અર્થમાં લાગુ કરાય તો ઉત્તમ છે. અરે, ભાજપે હમણાં સી.આર. પાટિલને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવ્યા તે પણ પેલી ‘ખામ’ થિયરીનું મારક છે. આ રાજયમાં પટેલો, ક્ષત્રિયો અને દલિતોનું રાજકારણ ઘણી વાર નિર્ણાયક બન્યું છે.

સી.આર. પાટિલ કે જે નથી પટેલ, નથી ક્ષત્રિય, નથી દલિત કે નથી બ્રાહ્મણ અને અટકને કારણે ગુજરાતી નહીં, પણ મરાઠી વર્તાય છે. તેમને ગુજરાતના અધ્યક્ષ બનાવવા એ સાહસ કહેવાય, પણ મોદી-અમિત શાહે કર્યું છે. આ એક ઉત્તમ વલણ કહી શકાય, ઓવૈસીના પક્ષે ગોધરામાં ૮ ઉમેદવાર ઊભા રાખ્યા ને તેમાં ૭ જીત્યા ને મોડાસામાં ૯ ઉમેદવાર જીત્યા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ય અમદાવાદમાં તેમનો પ્રભાવ જણાયો.

જયાં મુસ્લિમ વિસ્તાર છે ને તેમના મત નિર્ણાયક બને એવા હતા ત્યાં ઓવૈસીનો પક્ષ વિજેતા નીવડયો. ગુજરાત માટે આ આઘાતક ગણાવું જોઇએ. જો ભાજપ સામે ઓવૈસીનો પક્ષ સામસામે થાય તો તેનો સાદો અર્થ હિન્દુ-મુસ્લિમ કોમ સામસામે થશે એવો કહી શકાય. જે હવે ન જ બનવું જોઇએ.

આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં ૨૭ બેઠકો લાવી અને હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં ૪૨ બેઠકો જીતી છે. ભાજપ જો એમ માને કે કોંગ્રેસને મત નહોતો આપવો. તેણે ‘આપ’ને આપ્યો તો તેનો અર્થ આખર એ જ થયો કે કોંગ્રેસ દ્વારા પ્રગટતો વિરોધ હવે ‘આપ’ વડે થશે ને નવી સંભાવના જેા મતદાતા વ્યાપક રીતે માન્ય રાખે તો વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીના પક્ષની જેમ જ કેજરીવાલનો પક્ષ મોટો થશે. મોદી – અમિત શાહના ગુજરાતમાં જ આ  રાજકીય પ્રયોગ થઇ રહ્યો છે એટલે દેશનાં બીજાં રાજયોના મતદાતાઓની નજર પણ તેની પર રહેશે. હમણાં પાંચ રાજયોની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે.

ભાજપ અત્યારે માની બેઠું છે કે પોતે નિર્વિકલ્પ છે. અલબત્ત, ઐતિહાસિક ભૂમિકાએ મોદી સરકાર મોટા નિર્ણાયક પરિવર્તન લાવી રહી છે તેનો ય સ્વીકાર કરવા સાથે, તેમના શાસનની જે મર્યાદા ઉપસી રહી છે તેનો ય વિકલ્પ નાગરિકોએ શોધવા માંડયો છે. લોકો માટે કોઇ પક્ષ અંતિમ નથી હોતો. તેની તાસીર છે કે તે વિકલ્પો શોધ્યા કરે છે.

રાષ્ટ્ર તો આમ પણ સતત રચાતું જતું હોય છે ને જે તે પક્ષનાં કાર્યો તેમાં પોતપોતાની ભૂમિકા, વધતે-ઓછે અંશે ભજવતા હોય છે. કોંગ્રેસ પછી સૌથી વ્યાપક વૈકલ્પિક શાસન ભાજપ પૂરું પાડી રહ્યું છે પણ એ દરમ્યાન ઊભી થતી મર્યાદાઓ હવે વિકલ્પ શોધવા માંડી છે. કોંગ્રેસ તો ઠીક છે, મરી જતી તો મરે પણ રાજકીય વિકલ્પો મરવા ન જોઇએ. એ વિકલ્પો ઉભરતા અમુક વર્ષો લાગતાં હોય છે.

સ્વયં ભાજપના ઉત્થાનની યાત્રા દાયકાઓના સંઘર્ષની છે તો હવે તેના વિકલ્પ બનવા માંગતા પક્ષો પણ સમય લેશે, પણ આખર આ દેશનો સર્વવ્યાપક ઉત્કર્ષ મહત્ત્વનો છે. અત્યાર સુધી કોંગ્રેસને ભાજપે ઊભી કરેલી મર્યાદામાંથી નવા પક્ષ ઊભા થશે તો નુકસાન છે. રાષ્ટ્રને સમર્પક વિશેષતા જ મહત્ત્વની બનવી જોઇએ.

       .ટે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top