ગાંધીનગર: ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત તરફ વાતાવરણ આગળ વધી રહ્યું છે. જો કે કચ્છના નલિયામાં આજે 16 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. જ્યારે આવતા દિવસોમાં ગરમી ધીમે ધીમે વધતી જશે. રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે ચઢી રહ્યો છે.
ગુજરાતમાં શિયાળાનો અસરકારક પ્રભાવ હવે ધીમે ધીમે ઓસરતો જોવા મળી રહ્યો છે. આજે કચ્છ જિલ્લાના નલિયામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે વહેલી સવારે ઠંડકનો અહેસાસ રહ્યો હતો. હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બપોરે ગરમ હવામાન અનુભવાઈ રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સવારે ઠંડક અને બપોરે ઉષ્ણતા જોવા મળી રહી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં બપોરે ગરમીનો અહેસાસ વધશે. સવાર-સાંજ હળવી ઠંડક અને બપોરે ગરમ વાતાવરણ વચ્ચે લોકો માટે આરોગ્યની કાળજી રાખવી જરૂરી બની છે. તાપમાનમાં વધારા સાથે શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સંકેતો સ્પષ્ટ થઈ રહ્યા છે.કંડલા એરપોર્ટ, અમરેલી, પોરબંદર ,વેરાવળ, અમદાવાદ, ગાંધીનગર, ડીસા વલ્લભ વિદ્યાનગર, સુરત અને દમણમાં ગરમી સરેરાશ 32 ડિગ્રીએ પહોંચી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., કંડલા પોર્ટ પર 19 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 18 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે., પોરબંદરમાં 19 ડિ.સે., રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમા 18 ડિ.સે., મહુવામાં 15 ડિ.સે., કેશોદમાં 15 ડિ.સે., અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 15 ડિ.સે., ગાંધીનગરમાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે. અને દમણમાં 18 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે.