Gujarat

ગુજરાતના સ્થાપના દિન 1લી મેના દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ (Election) નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ગતિવિધિઓ તેજ બની રહી છે. આગામી ૧લી મેના દિવસે આમ આદમી પાર્ટીના (AAP) સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન આપ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) વચ્ચે વિધાનસભામાં ચૂંટણીને લઈને ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

બીટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ચંદેરીયા ગામ ખાતે ૧લી મેના દિવસે બીટીપી દ્વારા આદિવાસીઓનું મહાસંમેલન યોજાવાનું છે. આ મહાસંમેલનમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ હાજરી આપશે.

અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે તે દિવસે બેઠક થશે, અને આગામી ચૂંટણીને લઈને ગઠબંધન અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ આદિવાસી સંમેલનને અરવિંદ કેજરીવાલ તથા છોટુભાઈ વસાવા સંયુક્ત રીતે સંબોધન કરી આગામી રણનીતિની જાહેરાત કરશે.

છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ વધુમાં કહ્યું હતું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી કામગીરીને તેઓએ જોઈ છે. દિલ્હીમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને તેમાં ખુબ સારુ કામ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top