ગાંધીનગર : અમરેલીની (Amreli) અમર ડેરીના પટાંગણમાં વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુક્ત વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના સભ્યોને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના સંનિષ્ઠ પ્રયાસોથી સહકારી ક્ષેત્રનો નવો વિભાગ બનાવીને સહકાર ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવાની નવી દિશા કંડારી છે. સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકાર મધમાખી ઉછેર અને ગાય સંવર્ધન જેવા કૃષિના પૂરક વ્યવસાયને પ્રોત્સાહન આપવા સકારાત્મક પ્રયાસો કરી રહી છે. શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે મધમાખી ઉછેર માટે રૂ.૫૫ કરોડની ફાળવણી કરી છે.
ગૃહ-સહકાર મંત્રી શાહે સહકારી મંડળીઓના પ્રોત્સાહન અંગે સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આવનારા પાંચ વર્ષમાં ૩ લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. આ માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્થાપના માટે રૂ.૧૫૦૦ કરોડ અને તેના કમ્પ્યુટરાઇઝેશન માટે રૂ.૧૦૦૦ કરોડ સહિત કુલ રૂ.૨,૫૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે. સહકાર યુનિવર્સિટીનું નિર્માણ કરી સહકારી ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. તેનો ડેટાબેઇઝ તૈયાર કરવામાં આવશે. જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઈન જાણી શકાશે અને તેના વિકાસ માટે કામગીરી થઈ શકશે. શાહે વધુમાં કહ્યું હતું કે, ગોબર ગેસ, ગોડાઉન, વીજ કલેક્શન, માર્કેટિંગ, ગેસ વિતરણ એજન્સી, જલ સે નલ વગેરે ક્ષેત્રનો સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે. જેનાથી સહકારી ક્ષેત્રનો વ્યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સઘનપણે થઈ શકશે.
ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ
કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, જિલ્લાનું ગૌરવ કહી શકાય એવી ગીર ગાય અને જાફરાબાદી ભેંસની ઓલાદના સંવર્ધન, તેના જતન અને તેની સશક્ત ઓલાદો જન્મે તેવા સંયુકત હેતુઓને સાકાર કરવા માટે અમરેલી જિલ્લામાં એક સંવર્ધનકેન્દ્ર શરૂ થવાનું છે, જેના કારણે જિલ્લાના પશુપાલકોને ખૂબ ફાયદો થશે. આ ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.