ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી (Election) આ વર્ષે યોજાય તેવી શક્યતા છે ત્યારે એક બાદ એક સમાજ ભાજપ (BJP) સરકારથી (Government) નારાજ થઈ રહી હોવાના બનાવ સામે આવી રહ્યાં છે. તાપી-પાર રિવર લિન્ક પ્રોજેક્ટના (TapiParRiverlinkProject) મામલે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ (Tribles) સરકાર સામે આંદોલન (Protest) છેડવાના મૂડમાં છે. આજે વિધાનસભામાં કોંગ્રેસે આ મુદ્દે હોબાળો મચાવ્યો છે ત્યાં હવે અન્ય એક સમાજ પણ સરકારથી નારાજ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. વાત એટલી વધી છે કે આ સમાજના 31 લોકોએ સરકાર સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે.
વાત એમ છે કે છેલ્લાં કેટલાંય સમયથી રાજ્યમાં રખડતાં ઢોરનો મુદ્દો ચર્ચામાં છે. આ મામલે વિધાનસભામાં તાજેતરમાં એક વિધેયક પણ પસાર કરવામાં આવ્યું છે. જેને લઈને માલધારી સમાજ નારાજ થયો છે. ગાંધીનગરના ગોકુળપુરાના 31 માલધારીઓએ આજે મંગળવારે તા. 29મી માર્ચ 2022ના રોજ કલેક્ટર કચેરી પર પહોંચી જઈ વિરોધ વ્યક્ત કરીને એક લેખિતમાં અરજી કરી છે, જેમાં 31 માલધારીઓએ ઈચ્છા મૃત્યુની (Euthanasia) માંગ કરી હતી. રખડતા ઢોર માટેનો વિધેયક અમલમાં નહીં મુકવા માટે માલધારીઓએ કલેક્ટર સમક્ષ માંગણી કરી હતી.
આ તરફ સુરતમાં પણ માલધારી સમાજ દ્વારા આ વિધેયકના વિરોધમાં સુરતના કલેક્ટર આયુષ ઓકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, તા. 1એપ્રિલ 2022થી સુરતમાં પશુપાલકોએ સુરત મહાનગરપાલિકામાં પશુનું રજિસ્ટ્રેશન અને ટેગ ફરજિયાત લગાવવાના નિયમનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે પાલિકા અને પોલીસ જાહેરનામા પર અમલ કરાવશે.
નોંધનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી પાર રિવર લિન્ક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં આદિવાસીઓ સરકારથી નારાજ છે. બીજી તરફ ખેડૂતો વીજળી અને સિંચાઈના પાણીના મુદ્દે સરકાર સામે બાથ ભીડી રહ્યાં છે. અને હવે માલધારી સમાજે રખડતા ઢોરના વિધેયક મામલે સરકાર સામે લડત માંડી છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ તેવી શક્યતાઓ વચ્ચે આપ અને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ખેડૂત, આદિવાસી અને માલધારીઓના પ્રશ્નોની મદદથી સરકારને ઘેરવાના પ્રયાસ આદરી દીધા છે.