ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) લેકાવાડા ખાતે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીને (જીટીયુ) ફાળવવામાં આવેલી 100 એકર જમીન પર નિર્માણ પામનાર ગુજરાતની (Gujarat) સૌથી મોટી ટેકનોલોજિકલ યુનિવર્સિટીના નવીન કેમ્પસનું ભૂમિપૂજન મંગળવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જીટીયુના નવીનત્તમ કેમ્પસના ભૂમિપૂજનના આ પ્રસંગે અત્યંત હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. જીટીયુની વિકાસ યાત્રાનો હું સાક્ષી છું, વર્ષ 2007માં નરેન્દ્ર મોદીએ જે સ્વપ્ન સેવીને ટેક્નિકલ બિજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ તરીકે લેકાવાડાના 100 એકરના કેમ્પસમાં વ્યાપક સ્વરૂપે વિકસીત થતું જોવા મળી રહ્યું છે. જીટીયુ વિશ્વમાં ગુજરાતની આગવી ગરીમા જાળવશે અને ગુજરાતના વિકાસનો પર્યાય બનશે. જીટીયુનું નવું કેમ્પસ અત્યાધુનિક હશે . જીટીયુ ન માત્ર ભારત પરંતુ વિશ્વમાં ટેકનોલોજિકલ ક્ષેત્રે વિકાસનું પ્રર્યાય બને અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ટેકનોલોજિકલ યુનિવર્સિટીનું અદ્યતન બિલ્ડીંગ બાંધવા માટે ગુજરાત રાજ્ય અને જીટીયુએ જે સ્વપ્ન સેવ્યું હતું એ સ્વપ્ન ચરિતાર્થ થઈ રહ્યું છે. 100 એકર જમીનમાં 17 ભવનોની અદ્યતન સગવડ સાથે તૈયાર થનાર યુનિવર્સિટીમાં તમામ પ્રકારની સુવિધાઓ માટે રૂ. 275 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ કરવા માટે વિદ્યાર્થીઓને અન્ય રાજ્યોમાં જવું ના પડે અને ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ રાજ્યમાં પ્રાપ્ત થાય તેવા વિઝન સાથે શરૂ થયેલી ટેકનોલોજીકલ યુનિવર્સિટી તેના 15 વર્ષના કાર્યકાળમાં અનેક સમૃદ્ધિના શિખરો સર કર્યા છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતી. વિશ્વના દરેક દેશોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતાં હતાં. જીટીયુ પણ ટેકનોલોજિકલ ક્ષેત્રે વિશ્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બનશે તેવો મને વિશ્વાસ છે.