Dakshin Gujarat

ગુજરાત સરકારની નીતિ સામે નર્મદા જિલ્લાના તલાટીઓ ખફા, કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

ગુજરાત સરકારની નીતિઓ સામે ખફા થઈ અને પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે નાંદોદ સહિત નર્મદા જિલ્લાના તલાટીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે. નાંદોદ વડીયાના તલાટી દેવેન્દ્ર જોશી, જેસલપુરના તલાટી ડો.નીતા પટેલ, હેમાંગીની ઉપાધ્યાય, વિજય માછી, ગીતા ચૌધરી, યાશમીન દીવાન, ધર્મેન્દ્ર સિસોદીયા સહિત જિલ્લાના અન્ય તલાટીઓએ મનરેગા યોજનાના ઓનલાઈન મસ્ટરના કામોમાં સહી કરવાની ફરજ પડાતા એનો વિરોધ કરી ટી.ડી.ઓ.ને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે ઓન લાઇન મસ્ટરમાં સહી કરવાની જવાબદારી મેટ અને જી.આર.એસ ની છે. કામ નિયમ મુજબ પૂર્ણ થયાના પ્રમાણપત્ર પર ટેક્નિકલ કર્મચારીની જગ્યાએ અમારી સહી લેવાય છે. જો ફરિયાદ થાય તો અમારી ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરાય છે. અમે મનરેગા યોજનાના મસ્ટર, કામના ફોટા કે કામ પૂર્ણ થયાના પ્રમાણપત્ર પર સહી નહિ કરીએ, ‘પેન ડાઉન’ એટલે કે પેનથી કોઈ પણ કામ નહીં કરી વિરોધ નોંધાવીશું.

તલાટીના આ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી
તલાટીઓએ જણાવ્યું કે 2004, 05, 06ની સેવા સળંગ ગણવી, ઈ-ટાસથી હાજરી, રેવન્યુ તલાટી સમકક્ષ 4400 રૂ ગ્રેડ પે, વિસ્તરણ અધિકારી સહકાર/આંકડામાં પ્રમોશન, રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવા, પંચાયત સિવાયની કામગીરી ન આપવા, તલાટી પર ફરજ દરમિયાનના હુમલા તથા નવું મેહકમ મંજુર કરી એક ગામ એક તલાટીની નિમણૂક કરવા સહીતના અમારા પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ.

Most Popular

To Top