માર્ચ મહિનાથી દેશમાં અને રાજ્યમાં કોરોનાએ એન્ટ્રી કરી હતી. આ વાતને 14 મહિના થઇ ગયા હોવા છતાં સરકાર કોરોનાને નાથવામાં સદંતર નિષ્ફળ રહી છે. કોરોનાનું સંક્રમણ રોકવામાં સરકાર નિષ્ફળ રહી હોય એ કેટલાંક અંશે સમજી શકાય તેમ છે પરંતુ કોરોનાની સારવાર આપવામાં પણ નિષ્ફળતા જોવા મળે તે બાબત કોઇ કાળે માફ કરી શકાય તેમ નથી. કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ બાબતે સરકારને કોર્ટે વારંવાર ટકોર કરી છે પરંતુ તેમાં પણ સરકારની નિષ્ફળતા છતી થઇ છે.
કોરોનાના દર્દી માટે બેડ, ઓકસીજન, બાયપેપ કે વેન્ટિલેટરની વાત હોય દરેક મોરચે સરકારને નિષ્ફળતા મળી છે અને એટલું જ નહીં વેક્સિનેશન કરાવવા જાગૃતિ લાવવા માટેના પ્રચાર પ્રસાર પાછળ લાખો રૂપિયા ખર્ચી નાંખ્યા પછી પણ હાલત એ છે કે સરકાર પાસે વેક્સિનનો પૂરતો સ્ટોક જ નથી જેના કારણે વેક્સિન લેવા માટે પ્રજા આમથી તેમ ભટકી રહી છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, કોરોનાકાળ શરૂ થયાના 14 મહિના પછી ગુજરાત સરકારે દર્દીઓને દાખલ કરવાની પોલીસી બનાવી છે. આ પોલીસી બનાવવી પડે તે ખૂબ જ હાસ્યાસ્પદ બાબત છે. દર્દી કોઇપણ હોય તેને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરવાની હોય છે એ સીધી વાત છે પરંતુ તેમાં પણ સરકાર ગોથા ખાઇ રહી છે.
સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોરોનાના દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાના મુદ્દે જુદા જુદા નિયમો હોવાના પગલે ભારે નારાજગી વ્યકત્ત કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર બંનેની વડી અદાલતે દખલગીરી કરીને કહેવું પડ્યું છે કે, કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે એક સરખી નીતિ હોવી જોઈએ. અને તેના માટે સરકારે પગલાં ભરવા જોઇએ. ગત તા.૩૦મી માર્ચના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા આદેશના પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમિક એકટ ૧૮૯૭ અને ગુજરાત એપેડેમિક ડિસીઝીસ – કોવીડ -૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ અન્વયે ગુજરાતમાં 6 મેના રોજ દર્દીઓને દાખલ કરવાના નવી નીતિ જાહેર કરી છે.
આ નવી નીતિમાં જાહેર કરવામાં આવ્યું છે કે, કોરોનાના દર્દીને દાખલ કરતી વખતે કોઈ પોઝિટિવ રિપોર્ટ માંગવામાં નહીં આવે એટલું જ નહીં કોરોનાના શંકાસ્પદ દર્દીને પણ સારવાર આપવાની રહેશે. આ પહેલા એવી હાલત હતી કે કોરોનાનું ઓછું સંક્રમણ ધરાવતાં દર્દીઓને ઘરે જ કે આઇસોલેશન સેન્ટરમાં સારવાર લેવા માટે મજબૂર કરવામાં આવતાં હતાં. તેનાથી પણ ગંભીર બાબત તો એ હતી કે અમદાવાદમાં તો જે દર્દીઓ 108માં આવે તેને જ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવતા હતા.
હવે 108 જે મફત સેવા આપે છે તે યોગ્ય સમયસર પહોંચી નહીં શકતી હોય ત્યારે જ કોઇ દર્દીએ ખાનગી વાહનનો સહારો લેવો પડતો હોય છે તે સામાન્ય બાબત પણ સરકારમાં બેઠેલા બાબુઓની સમજ આવી ન હતી. દર્દી કઇ રીતે હોસ્પિટલ સુધી પહોંચે છે તેને અને સારવારને શું લેવા દેવા આ યક્ષ પ્રશ્ન છેલ્લા બે મહિનાથી ગુજરાતની પ્રજાને સતાવી રહ્યો હતો. હવે સરકારે જાહેરાત કરી છે કે, એમ્બ્યૂલન્સ કે ખાનગી વાહનોમાં આવતા દર્દીને ત્વરિત દાખલ કરવાના રહેશે. જો કે, અત્યાર સુધી આવા કેટલાય દર્દીઓ હોસ્પિટલના દરવાજા પર જ મોતનેં ભેંટ્યા છે તેમનું શું? તે અંગે સરકારે અકળ મૌન ધારણ કરી લીધું છે.
નવી પોલીસીમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, દર્દી કયા શહેર કે રાજ્યનો છે તે બાબતો ધ્યાને લઈને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઈન્કાર કરી શકાશે નહીં. જરૂરિયાતવાળા કોરોનાના દર્દીને દવાઓ અને ઓક્સીજન આપવાના રહેશે તેના માટે પોલીસી બનાવવી પડે તે પણ ગુજરાત માટે શરમજનક બાબત છે. એવી કઇ વ્યક્તિ હોય કે જે શોખથી દવા અને ઓક્સીજન લેતી હોય? માણસને શ્વાસ લેવાની તકલીફ હોય તો જ તબીબ તેને ઓક્સીજન આપવાની ભલામણ કરે છે તેના માટે પણ પોલીસી બનાવવી પડે અને તે પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી તે બાબત જ આશ્ચર્ય પમાડે તેવી છે.
આ સ્થિતિમાં ગુજરાતની જનતા ભગવાન ભરોસે છે તેવું કહીએ તો તે લેસ માત્ર પણ ખોટું નથી. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ આવી જ હાલત છે. એતો સારૂ છે કે આપણે ત્યાં કોર્ટ જેવી કોઇ વ્યવસ્થા છે અને તેને થોડે ઘણે અંશે રાજકારણીઓ સાંભળે છે નહીં તો અત્યાર સુધી અણધડ વહિવટ જ ચાલતો રહેતે. ઉત્તરાખંડની હાઇકોર્ટે ટિપ્પણી કરવી પડી કે, કોરોનાના દર્દીઓ માટે ઓક્સીજન પૂરો નહીં પાડી શકાય તે નરસંહાર છે.
તેવી જ રીતે બિહારની હાઇકોર્ટે પણ દખલ કરીને કહેવું પડ્યું કે તમારાથી પરિસ્થિતિ નહીં સચવાતી હોય તો સ્વાસ્થ્ય વિભાગ સેનાને સોંપી દેવો જોઇએ. દિલ્હી હાઇકોર્ટે પણ કહેવું પડ્યું કે તમે આંખ પર પાટા બાંધીને બેઠા છો પરંતુ અમને તો બધુ દેખાઇ જ છે. કોર્ટે આવી ટિપ્પણીઓ કરવી પડે તે તો પીડાદાયક છે જ પરંતુ કોર્ટની દખલ પછી દર્દીઓને દાખલ કરવા માટે પોલીસી બનાવવી પડે તે તો એના કરતાં પણ વધારે પીડાદાયક છે.