નવી દિલ્હીઃ અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) સામેલ કરવામાં આવ્યું છે. આઇપીએલ ફાઇનલ 2022 (IPL Final 2022) દરમિયાન સૌથી વધુ સંખ્યામાં દર્શકો માટે સ્ટેડિયમને આ ટાઇટલ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) સ્ટેડિયમ મોટેરા તરીકે ઓળખાતું હતું. તેની ક્ષમતા 110,000 પ્રેક્ષકોની છે, જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) કરતાં અંદાજે 10,000 વધુ છે. એમસીજીમાં 100,024 પ્રેક્ષકોની ક્ષમતા છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ જય શાહે રવિવારે ગિનીસ રેકોર્ડ સાથેના ફોટાને ટ્વીટ કરીને લખ્યું હતું કે મને ગર્વ અને આનંદ છે કે જીસીએ મોટેરાના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમને એક જ ટી-20 મેચમાં સૌથી વધુ સંખ્યામાં પ્રેક્ષકો માટે ગિનિસ બુક રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. 29 મે 2022ના રોજ આઇપીએલ ફાઇનલ દરમિયાન સ્ટેડિયમમાં 101,566 દર્શકો હતા. આ શક્ય બનાવવા માટે ચાહકોનો ખૂબ ખૂબ આભાર.
લિયોનલ મેસીના નામે નોંધાયો એક અનોખો રેકોર્ડ
ફિફા વર્લ્ડકપ 2022માં મેક્સિકો સામેની મેચમાં લિયોનલ મેસીએ એક અનોખો રેકોર્ડે બનાવ્યો હતો. 1966માં ટૂર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી મેસી વર્લ્ડકપમાં સ્કોર કરવામાં અને ગોલ કરવામાં મદદ કરવામાં સૌથી યુવા અને સૌથી વધુ વયનો ખેલાડી બન્યો હતો. 2006માં રમાયેલા વર્લ્ડકપમાં મેસીએ સર્બિયા સામે ગોલ કરવાની સાથે એક ગોલમાં મદદ કરી ત્યારે તેની વય 18 વર્ષ અને 357 દિવસની હતી અને આજે મેક્સિકો સામે તેણે ગોલ કર્યો અને બીજો ગોલ કરવામાં મદદ કરી ત્યારે તેની વય 35 વર્ષ અને 155 દિવસની હતી.
વર્લ્ડકપ મેચ રમવા અને તેમાં ગોલ કરવા મામલે મેસીએ મારાડોનાના રેકોર્ડની બરોબરી કરી
મેક્સિકો સામેની આજની મેચમાં મેદાને ઉતરીને ગોલ કરવા સાથે લિયોનલ મેસીએ આર્જેન્ટીનાના દિગ્ગજ ડિએગો મારાડોનાની બરોબરી કરી હતી. મેસી અને મારાડોના બંનેએ વર્લ્ડકપની 21 મેચ રમી છે. બંનેના 8-8 ગોલ છે. મેસીએ આજે બાર્સેલોના અને આર્જેન્ટિનાના ભૂતપૂર્વ સાથી ખેલાડી જેવિયર માસ્ચેરાનોના રેકોર્ડને વટાવી દીધો છે, જે અગાઉ ફિફા વર્લ્ડકપમાં 20 મેચ સાથે સંયુક્ત બીજા ક્રમે હતા. મેસ 2005માં તેની સીનિયર કેરિયર શરૂ કર્યા પછીથી સૌથી વધુ 167 મેચ અને 93 ગોલ સાથે આર્જેન્ટિનાનો શ્રેષ્ઠ ખેલાડી બન્યો છે.