આવતીકાલે તા. 14 માર્ચના રોજ દેશભરમાં ઉમંગ ઉલ્લાસથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. લોકો એક બીજા પર રંગ ફેંકશે. પાણીના ફુગ્ગા ફોડશે, પરંતુ દેશનું એક શહેર એવું પણ છે જ્યાં પૂછ્યા વિના, મરજી વિરુદ્ધ કોઈની પર રંગ ફેંકી શકાશે નહીં.
હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને હૈદરાબાદ પોલીસે શહેરમાં હોળીની ઉજવણી માટે માર્ગદર્શિકા જારી કરી છે જેથી લોકોની સલામતી સુનિશ્ચિત થાય અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય. માર્ગદર્શિકા અનુસાર સંમતિ વિના કોઈપણ વ્યક્તિ પર રંગ કે પાણી ફેંકવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તા. 14 માર્ચે હોળીના તહેવાર પહેલા જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે હૈદરાબાદ શહેર પોલીસે આ કડક માર્ગદર્શિકા જારી કરી છે.
પોલીસની ગાઈડલાઈન અનુસાર સંમતિ વિના કોઈ પર રંગ કે પાણી ફેંકવું, સંમતિ વિના વાહનો કે જાહેર સ્થળો પર રંગો લગાવવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા વાહનોની અવરજવર પર સખત પ્રતિબંધ છે. શહેરના પોલીસ કમિશનર સીવી આનંદ દ્વારા 11 માર્ચ, 2025ના રોજ જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશ 13 માર્ચ, 2025ના રોજ સાંજે 6 વાગ્યાથી 15 માર્ચ, 2025 ના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
આ માર્ગદર્શિકા હૈદરાબાદ શહેર પોલીસ અધિનિયમની કલમ 22 હેઠળ જારી કરવામાં આવી છે. આ અંતર્ગત પોલીસ કમિશનરને શાંતિ અને જાહેર સલામતી જાળવવા માટે સરઘસો અને સભાઓ રોકવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના આદેશો જારી કરવાનો અધિકાર છે. ઉલ્લંઘન કરનારાઓ પર હૈદરાબાદ શહેર પોલીસ અધિનિયમ, 1348 ની કલમ 76 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જે વિરોધને પ્રોત્સાહન આપવા અથવા નિર્દેશોનું પાલન કરવાનો ઇનકાર કરવા અને કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા જેવા ગુનાઓ માટે વિવિધ સજાઓની જોગવાઈ કરે છે.
ભાજપે તેને હિન્દુ વિરોધી નિર્ણય ગણાવ્યો
ગોશામહલના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે તેલંગાણામાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી હિન્દુ મંદિરો પર હુમલા થઈ રહ્યા છે અને હિન્દુ તહેવારો પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે હોળીની ઉજવણી પરના પ્રતિબંધની ટીકા કરી છે અને સરકારને હિન્દુઓ પ્રત્યે પક્ષપાતી ગણાવી છે.
અગાઉ તેલંગાણા સરકારે હૈદરાબાદ તળાવમાં ભગવાન ગણેશની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો હતો અને દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ લાદતી માર્ગદર્શિકા પણ જારી કરી હતી. રાજા સિંહે દલીલ કરી હતી કે રમઝાન દરમિયાન લોકોના મોટા મેળાવડા અને મોડી રાતની પ્રવૃત્તિઓ હોવા છતાં આવા કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા ન હતા.
