GANDHINAGAR : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોના (CORONA) ના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ગાઈડલાઈન (GUIDELINE) નક્કી કરવામાં આવી છે.
ચૂંટણીપંચ (ELECTION COMISSION) દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં રાજકીય પક્ષો તેમાં જ ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ડોર ટુ ડોર (DOOR TO DOOR ) ઝુંબેશ માટે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ (સુરક્ષા કર્મચારીઓને બાદ કરતા) જોડાઈ શકશે. આ ઉપરાંત રોડ શો માટે કેન્દ્રીય ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ વાહનોનો કાફલો દર પાંચ વાહન પછી છૂટો પાડવાનો રહેશે. (સુરક્ષા વાહનને બાદ કરતા) આ વાહનોના બે કાફલા વચ્ચે સો મીટરના અંતરના બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે.
ચૂંટણી સભાઓ માટે કોવિડ-19 (COVID-19) ના દિશાનિર્દેશોનું પાલન કરી જાહેર સભા રેલીઓ યોજવાની રહેશે. જાહેર સભા યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ પણે નિયત કરેલા એન્ટ્રી -એક્ઝિટ પોઇન્ટ સહિતના મેદાનો અગાઉથી નક્કી કરી લેવાના રહેશે. આ મેદાનોમાં હાજરી આપનાર લોકો માટે સામાજિક અંતરના ધોરણોને સુનિશ્ચિત કરવામાં આવે તે જિલ્લા ચૂંટણી અધિકારીએ અગાઉથી સુનિશ્ચિત કરવાનું રહેશે. મેળાવડાઓમાં ઉપસ્થિત લોકોઓની સંખ્યા મર્યાદાથી વધુ ન હોય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકે કાળજી લેવાની રહેશે. કોવિડ-19 સૂચનાઓ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થાય તે બાબત જિલ્લા આરોગ્ય નોડલ અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીના સંપર્કમાં રહી સુનિશ્ચિત કરશે.
ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક સોશિયલ મીડિયા મારફત કરવાની બાબતને અગ્રતા આપવાની રહેશે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કોવિડ -19 પ્રતિરોધક સામગ્રી જેવી કે ફેસમાસ્ક (FACE MASK) , સેનેટાઈઝર (SENETAIZER) , થર્મલ ગન (THARMAL GUN) થી સ્કીનીંગ વગેરેની જરૂરિયાત સંતોષાય તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે. ચૂંટણી સભામાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કોરોના સંક્રમિત ઉમેદવારો તેમનો પ્રચાર ઇલેક્ટ્રોનિક માધ્યમો પૂરતો મર્યાદિત રાખવાનો રહેશે અને તેમને પ્રચારમાં સામેલ થવા કે પ્રચારમાં સ્થળ અને પ્રત્યક્ષ હાજર રહેવાની છુટ આપવામાં આવશે નહીં.