સુરત: શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવ ખૂબ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ 27 ઓગસ્ટ, 2025થી શરૂ થશે, જેમાં શ્રી શોભાયાત્રા સાથે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થશે અને 6 સપ્ટેમ્બર, 2025ના રોજ વિસર્જન સાથે સમાપન થશે.
- PoP-ફાયબરની પ્રતિમાઓની મહત્તમ ઊંચાઈ 5 ફૂટ, ગણેશોત્સવ 2025 માટે પોલીસ કમિશનરનો પ્રતિબંધાત્મક હુકમ જાહેર
આ ઉત્સવ દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય, ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત (આઈ.પી.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહીતા-2023ની કલમ-163 હેઠળ પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમ 12 જુલાઈ, 2025થી 8 સપ્ટેમ્બર, 2025 સુધી સુરત શહેર પોલીસ કમિશનરેટના સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે.
આ હુકમ પર્યાવરણ (પ્રોટેક્શન) એક્ટ-1986, ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગ, ગુજરાત અને મહારાષ્ટ્ર હાઈકોર્ટ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન્સને અનુરૂપ છે. આ નિયમો શહેરમાં બહારથી મૂર્તિઓ લાવી વેચતા મૂર્તિકારો અને વેપારીઓને પણ લાગુ પડશે. સુરત પોલીસ વિભાગે નાગરિકોને આ હુકમનું પાલન કરી, પર્યાવરણ, કાયદો-વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે, જેથી ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ અને પર્યાવરણલક્ષી રીતે ઉજવાય.
પ્રતિબંધિત કૃત્યો
- મૂર્તિનું કદ: માટીની મૂર્તિઓની ઊંચાઈ બેઠક સહિત 9 ફૂટથી વધુ ન હોવી જોઈએ, પી.ઓ.પી. અને ફાઈબરની મૂર્તિઓની ઊંચાઈ 5 ફૂટથી વધુ ન હોવી જોઈએ, આ મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવ અથવા દરિયામાં જ કરવાનું રહેશે.
- જાહેર માર્ગ પર પ્રતિબંધ: મંજૂરી વિના સરઘસ કાઢવું, મંજૂર રૂટ સિવાયના માર્ગે વિસર્જન કરવું અને ડી.જે. વગાડવા પર પ્રતિબંધ.
- પર્યાવરણ સુરક્ષા: ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ, પાણીમાં ઓગળી ન શકે તેવી મૂર્તિઓનું વિસર્જન અને નદી-તળાવમાં પ્રદૂષણ થાય તેવી ક્રિયાઓ પર રોક.
- ધાર્મિક લાગણીઓનું ધ્યાન: બીજા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચે તેવા ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવી, વેચવી કે સ્થાપના કરવા પર પ્રતિબંધ.
- શોભાયાત્રા અને ટ્રાફિક: ચારથી વધુ વ્હીલવાળા ટ્રેલર, ઉંટગાડી, બળદગાડું કે હાથીનો ઉપયોગ શોભાયાત્રામાં પ્રતિબંધિત. રંગો, પાઉડર કે તૈલી પદાર્થો રાહદારીઓ કે વાહનો પર ફેંકવા પર પણ રોક.
- સ્વચ્છતા: મૂર્તિ બનાવટના સ્થળે ગંદકી કરવી, રોડ પર ટ્રાફિકને અડચણરૂપ મૂર્તિઓ રાખવી અને વેચાણ ન થયેલી કે ખંડિત મૂર્તિઓ બિનવારસી હાલતમાં છોડવા પર પ્રતિબંધિત.
- મંડપ દૂર કરવા: વિસર્જન પછી મંડપો બે દિવસથી વધુ સમય સુધી રાખવા પર પ્રતિબંધ.
- અમલવારી અને શિક્ષા: આ હુકમ 12 જુલાઈ, 2025થી 8 સપ્ટેમ્બર, 2025 સુધી સુરત શહેર પોલીસ કમિશનરેટના સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે.