બેંગ્લોર(Bangalore): કોરોના(Corona) વાયરસ બાદ હવે મંકીપોક્સ(Monkeypox) સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવી રહ્યું છે. આ વાયરસનો ભારતમાં પગપેસારો થઇ ગયો છે. ત્યારે મંકીપોક્સનાં ફેલાવાને જોતા કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગ્લોરમાં ગાઈડલાઈન્સ(Guidelines) જાહેર કરવામાં આવી છે. બેંગલુરુમાં એરપોર્ટ(Airport), રેલવે સ્ટેશનો(Railway Station) પર સ્ક્રીનિંગ શરૂ કરવાનાં આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સાથે કન્ફર્મ કેસ માટે 21 દિવસ આઈસોલેશનનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બ્રુહત બેંગલુરુ મહાનગરા પાલિકા (BBMP) દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ, મંકીપોક્સનાં પોઝીટીવ કેસો માટે ઓછામાં ઓછા 21 દિવસનું આઇસોલેશન(Isolation) ફરજિયાત રહેશે. ઝોનલ હેલ્થ ઓફિસરને એ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે કે એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં સ્ક્રીનિંગ ટીમો તૈનાત કરવામાં આવે. તમામ શંકાસ્પદ કેસોનું સ્ક્રીનીંગ અને પરીક્ષણ થવું જોઈએ.
કેરળમાં વધુ એક કેસ
કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. મલપ્પુરમમાં એક 30 વર્ષીય વ્યક્તિની સારવાર ચાલી રહી છે. તે 27 જુલાઈના રોજ યુએઈથી કોઝિકોડ એરપોર્ટ આવ્યો હતો. આ માહિતી કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જ દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેરળમાં મંકીપોક્સનો આ પાંચમો કેસ છે.
ઇથોપિયાથન નાગરિક ચિકનપોક્સથી પીડિત હોવાનું સામે આવ્યું
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું હતું કે અહીં એક ઇથોપિયન નાગરિક જેને મંકીપોક્સથી સંક્રમિત થવાની આશંકા હતી તે ચિકનપોક્સથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું, “આ મહિનાની શરૂઆતમાં ઇથોપિયાથી આવેલા એક નાગરિકમાં મંકીપોક્સ સંબંધિત લક્ષણો જોવા મળતા તેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેનો તપાસનો રિપોર્ટ આવી ગયો છે. રીપોર્ટમાં તે ચિકનપોક્સથી પીડિત હોવાનું સામે આવ્યું છે. અસરગ્રસ્ત દેશોમાંથી બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા અને ચેપના લક્ષણો દર્શાવતા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. ઇથોપિયન નાગરિકને લક્ષણો દેખાતા હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.
દેશમાં મંકીપોક્સથી એકનું મોત
કેરળ સરકારે સોમવારે પુષ્ટિ કરી હતી કે 30 જુલાઈના રોજ મૃત્યુ પામનાર 22 વર્ષીય વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત હતો. આ રીતે, દેશમાં મંકીપોક્સના કારણે આ પ્રથમ મૃત્યુ છે. રાજ્યના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને મીડિયાને જણાવ્યું હતું કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી (NIV), પુણેમાં મોકલવામાં આવેલા નમૂનાઓમાં ચેપ જોવા મળ્યો હતો અને તે પશ્ચિમ આફ્રિકાનો પ્રકાર હતો.
મંકીપોક્સના કારણે અત્યાર સુધીમાં કેટલા મૃત્યુ
મે થી, 78 દેશોમાં મંકીપોક્સના 20,000 થી વધુ કેસ નોંધાયા છે. આફ્રિકામાં 75 થી વધુ મૃત્યુ થયા છે, જે સૌથી વધુ છે. આ સિવાય બ્રાઝિલમાં એક અને સ્પેનમાં બે વ્યક્તિ મંકીપોક્સના કારણે મૃત્યુ પામ્યા છે.