Gujarat

ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને સિવિલમાં દાખલ કેમ નથી કરાતાં ?: હાઇકોર્ટ

હાઇકોર્ટ દ્વારા કરાયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરાયું હતું. હાઈકોર્ટે આજે ફરી એક વખત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી લાલ આંખ કરી હતી.ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ડીવિઝન બેન્ચ દ્વારા હાથ ધરાયેલી સુઓમોટો રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટ રાજ્ય સરકારને ફરી એક વખત ફટકાર લગાવતા કહ્યું હતું કે રાજ્યમાં દર્દીઓ હોસ્પિટલમાં બેડ શોધવા માટે આમથી તેમ ફરી રહ્યા છે.

108 માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને કેમ નહીં ? સાથે જ કહ્યું હતું કે 108ને સેન્ટ્રલાઈઝ કરવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.


બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે સ્થિતિને પહોંચી વળવા મેનપાવરની અછત છે, તેમજ લેબોરેટરીઓમાં ઘણા ઓછા સ્ટાફ સાથે કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પીટલોમાં 11૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આવતા એક સપ્તાહમાં ઓક્સિજનના પાંચ પ્લાન્ટ કાર્યરત થઈ જશે.આ ઉપરાંત સરકાર તરફથી રેમડેસિવિર ઇન્જેક્શનના મુદ્દે રજૂઆત કરાઈ હતી કે ઇન્જેક્શન લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત ઈન્જેક્શનની આડઅસરને તેની ગાઈડલાઈન અંગે સરકાર દ્વારા જાગૃતિ માટે જાહેરાતો કરવામાં આવી છે.

સુઓમોટો અરજીની આજરોજ સુનાવણી પૂર્ણ થતાં હાઇકોર્ટ આવતીકાલે પોતાનો ચૂકાદો સંભળાવે તેવી સંભાવના છે. સાથે જ 26 મી એપ્રિલ સુધી સરકારને વિગતવાર સોગંદનામું રજૂ કરવા તાકીદ કરી છે.

Most Popular

To Top