રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે 38.89 કરોડ રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા છે. જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓને ફીમાં કોઇ જ પ્રકારની રાહત કે માફી આપવામાં આવી નથી.
આરટીઆઇ હેઠળ જીટીયુ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અંગે વિગતો આપતા ગુજરાત એન.એસ.યુ.આઇ.ના અગ્રણી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની મહામારી સમયે રોજગાર ધંધા પડી ભાંગ્યા હોવાથી લોકોની આર્થિક પરિસ્થિતિ ભયંકર રીતે કથળી ગઇ છે. હજુ સુધી લોકો આ કપરી પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળી શક્યા નથી, તેવી સ્થિતિમાં પણ જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં કોઈ જ પ્રકારની રાહત કે માફી આપવામાં આવી નથી. ઊલટાનું વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે 38.89 કરોડની માતબર રકમ ઉઘરાવી લીધી છે, એટલું જ નહીં જીટીયુ દ્વારા લેઈટ ફીના નામે પણ મોટી રકમ ઉઘરાવવામાં આવી છે. જોકે આરટીઆઇ હેઠળ માગેલી માહિતીમાં લેઈટ ફી અંગેની કોઇ સ્પષ્ટતા જીટીયુ દ્વારા કરવામાં આવી નથી.
ગૌરાંગ મકવાણાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જીટીયુ દ્વારા સરકારની આ જાહેરાતની પણ અવગણવામાં આવી છે, અને વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારની રાહત કે માફી આપવામાં આવી નથી. કોલેજોમાં અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ ચાલતુ હતું, તેથી અમારી સ્પષ્ટ માગણી છે કે વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકા રાહત આપવામાં આવે.