જયપુર : આઇપીએલમાં (IPL) આવતીકાલે શુક્રવારે અહીં રાજસ્થાન રોયલ્સ (RR) પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ્યારે ગુજરાત ટાઇટન્સ (GT) સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ પોતાની બેટીંગ પ્રદર્શનને સુધારીને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને ટોચના સ્થાન માટે પડકારશે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ હારી હોવાથી જીતના માર્ગે પાછા ફરવા માટે પ્રયત્ન કરશે. ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ્સ સામે પાંચ રનથી હારી જવા છતાં પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ટોચ પર છે , જ્યારે રોયલ્સ 10 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.
સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમ પાસે પૂરતી પ્રતિભા છે પરંતુ તેઓ પોતાની વિજય યાત્રાને જાળવી રાખવામાં અસમર્થ રહ્યા છે. રાજસ્થાને તેની છેલ્લી છ મેચોમાં ત્રણ મેચ ગુમાવી છે અને એટલી જ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેમની છેલ્લી મેચમાં તેના બોલરો 212નો બચાવ કરવામાં નિષ્ફળ ગયા હતા. જો કે રોયલ્સને જીટી સામે સીઝનની શરૂઆતમાં મળેલી જીતથી થોડો આત્મવિશ્વાસ હશે.
રાજસ્થાનની બેટિંગ લાઇન-અપમાં રન બનાવવાની તાકાત છે. યુવા યશસ્વી જયસ્વાલ સરસ બેટીંગનો આનંદ માણી રહ્યો છે પરંતુ ટીમને જોસ બટલર, સંજુ સેમસન અને શિમરોન હેટમાયરની ત્રિપુટી પાસેથી રનની જરૂર છે. આ બેટીંગ લાઇનઅપ જ્યારે મહંમદ શમી અને ચાલાક રાશિદ ખાનની આગેવાની હેઠળના ગુજરાત ટાઇટન્સના શક્તિશાળી બોલિંગ આક્રમણનો સામનો કરશે ત્યારે એક સારી રસાકસી જોવા મળવાની સંભાવના છે.