સ્ટેટ જીએસટીના ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા સુરત સહિત છ શહેરોના 71 સ્થાનો પર વ્યાપક દરોડની કાર્યવાહી હાથ ધરીને 1741 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ શોધી કાઢયું છે. જેમાં કૌભાંડકારો દ્વારા 319 કરોડની ટેકસ ક્રેડિટ મેળવી લેવાઈ છે. જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ કૌભાંડમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.
જીએસટીના ઈન્ટેલીજન્સ તંત્ર દ્વારા ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજના 71 સ્થાનો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભાવનગરમાં માધવ કોપર સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો અને ડીજીટલ ડેટા જપ્ત કરાયો છે. દરોડાની કાર્યવાહી દરમ્યાન માધવ કોપ લીમીટેડ દ્વારા 425 કરોડની બોગસ બિલિંગ દ્વારા ખરીદી દર્શાવીને ખોટી રીતે 75 કરોડની વેરાશાખ લઈ લીધી હોવાનું પણ બહાર આવ્યુ છે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં મીનાબેન રંગસિંહ રાઠોડ દ્વારા જુદી જુદી 24 પેઢીઓ બનાવીને 577 કરોડના બોગસ બિલિંગ થકી 109 કરોડની વેરાશાક લઈ લીધી હોવાનું બહાર આવ્યુ છે. આ ગુનામાં મીનાબેનની ધરપકડ કરી લેવાઈ છે.
ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીએ પણ જુદી જુદી 25 પેઢીઓમાં 739 કરોડનું બોગસ બિલિંગ થકી 135 કરોડની વેરાશાખ લઈ લીધી છે. અફઝલ અલીની પણ ધરપકડ કરી લેવાઈ છે. જીએસટી વિભાગ દ્વારા આ બોગસ બિલિંગ કૌભાંડમાં બન્ને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેઓની કસ્ટોડિયલ પુછપરછની માંગ પણ કરી છે.