Business

GST કાઉન્સિલના આ નિર્ણયથી સુરતના વીવર્સને 1200 કરોડનું નુકસાન થવાનો ભય

સુરત : જીએસટી કાઉન્સિલની (Gst Council) ગત શુક્રવારે મળેલી બેઠકમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ (Textile Industry) પરથી ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર (Inverted duty stricture) દૂર કરીને એક સમાન ટેક્ષ સ્લેબ 1જાન્યુઆરી 2022 થી લાગુ કરવાની હિલચાલ સામે ફોસ્ટા અને ફિઆસ્વી (Fiaswi) સહિતનાં સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. અત્યારે ફેબ્રિક્સ પર 5 ટકા અને યાર્ન પર 12 ટકા જીએસટી લાગુ પડે છે. સરકારની વિચારણા કોટન પર એકસમાન 5 ટકા ડયુટી છે તેને મેઈનમેડ ફાઈબરની (MMF)ચેઈન પર લાગૂ કરવાની છે તેનાથી સુરતના વિવિંગ ઉદ્યોગને (Weaving Industry) )વર્ષે 1200 કરોડનો ફટકો પડશે તેને લીધે નાના પાવર લુમ્સ કારખાનાઓ કે જે જીએસટી વિભાગની નોંધણી ધરાવે છે તે બંધ થઈ જવાની દહેશત ઉભી થઈ છે.

જો સરકાર ફેબ્રિક્સ પર લાગુ જીએસટીના દરને હટાવી યાર્નના સ્લેબ પર લઈ જશે તો પણ મુશ્કેલી ઉભી થશે. ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે સુરતનો વિવિંગ ઉદ્યોગ જીએસટીનો દર યથાવત રાખવા માંગ કરી રહ્યો છે. ફિઆસ્વી દ્વારા કેન્દ્રના ટેક્સટાઈલ મંત્રી, ટેક્સટાઈલ સેક્રેટરી ને રજુઆત કરવામાં આવશે. જો જીએસટીનો સ્લેબ બદલાશે તો કાપડની ફાઈનલ પ્રોડક્ટ મોંઘી થશે. પોલિએસ્ટર ફેબ્રિક્સ ગરીબો માટેનું કાપડ માનવામાં આવે છે. કે મોંઘુ થઈ શકે છે. હાલનું ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર હટાવવાથી સુરતના ઉદ્યોગકારો પર 5 ટકાનો બોજ પડશે. દરેક પ્રકારનું સુરતમાં તૈયાર થતું કપડું 5 ટકા જેટલું સરેરાશ મોંઘુ થશે અને તેની સીધી અસર રૂપે કપડા ઉત્પાદકો પર વર્ષે દહાડે રૂ.1200થી વધુ કરોડનો વધારાનો કરબોજ પડશે.

વિવિંગ ઉદ્યોગના અન્ય અગ્રણીઓ કહે છે કે જો હાલના ઇન્વર્ટેડ ટેક્ષ સ્ટ્રક્ચરને જો હટાવવામાં આવશે તો હાલના કપડા ઉત્પાદકોએ ફિનિશ્ડ કાપડ પર અત્યારના 5 ટકાના દર કરતા વધુ ટેક્ષ ચૂકવવો પડશે. યાર્ન ખરીદીથી લઇને કાપડના વેચાણની પ્રક્રિયામાં કાચા બિલમાં જ કારખાનેદારો ધંધો કરવા ટેવાશે કેમકે વધારાનો કરબોજ લાદવાથી કાપડ મોંધું થશે અને જે લોકો સસ્તુ કાપડ વેચશે તેમની પાસેથી જ માલ ખરીદવાનો આગ્રહ રહેશે તેને લીધે કાચા અને પાકાનું ચલણ કાપડ ઉદ્યોગમાં ફરી શરૂ થશે.

Most Popular

To Top