સુરત(Surat) : પાંચ વર્ષ પહેલાં જીએસટીનો (GST) કાયદો અમલમાં મુકાયો ત્યારે વેપાર ઉદ્યોગની સાનુકૂળતા માટે કેટલીક કલમો અમલમાં મુકવામાં આવી હતી જે હવે વેપારીઓ માટે ગળામાં ફસાયેલી ફાંસ સમાન બની ગયો છે. જીએસટીના એક નિયમ અનુસાર 180 દિવસમાં માલ ખરીદનાર કે સર્વિસ લેનાર માલ વેચનાર કે સર્વિસ આપનારને પેમેન્ટ નહીં કરે તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવા સાથે જીએસટી વિભાગમાં વ્યાજ ભરવાનું રહેશે. સુરતની શિવાંજલિ ફેશન્સ કંપની દ્વારા આ નિયમને ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High court) પડકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટીની કાયદા અનુસાર તમે કોઈ પાસે માલ ખરીદયો કે સર્વિસ લીધી અને તેનું પેમેન્ટ 180 દિવસ કરવામાં નિષ્ફળ રહો તેવા કેસમાં જે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોય તે વ્યાજ સાથે રિફંડ કરવાની રહે છે. આ પ્રોવિઝનના લીધે સુરતના કાપડના વેપારીઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એડવોકેટ ડો. અવિનાશ પોદ્દાર કહે છે કે કાપડ ઉદ્યોગમાં પેમેન્ટ સાયકલ અનિયમિત છે. ઘણીવખત 6 મહિના, 1 વર્ષ સુધી પેમેન્ટ પેન્ડીંગ રહે છે. કાયદો આવા કેસમાં એમ કહે છે કે તમે 180 દિવસમાં માલ વેચનારને પેમેન્ટ કર્યું નથી તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરો અને વ્યાજ પણ ભરો. કાયદો એવું પણ કહે છે કે જ્યારે પેમેન્ટ કરશો ત્યારે ક્રેડિટ લઈ શકશો. આવા કેસમાં જે વ્યાજ ભરવામાં આવ્યું તેનો ભાર માલ ખરીદયા બાદ નિયત સમયે પેમેન્ટ નહીં કરનાર પર આવી પડે છે.
બે વેપારી વચ્ચે બે વર્ષમાં પેમેન્ટના કરાર થાય તેવા કિસ્સામાં કાયદો કેવી રીતે ફરજ પાડી શકે કે 6 મહિનામાં એટલે કે 180 દિવસમાં જ પેમેન્ટ કરવું. આ કાયદો અન્યાયી છે. કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ પણ આ કાયદો ખોટો છે. વળી, ક્રેડિટ રિવર્સ કરવાની હોય તો જીએસટી વિભાગને વ્યાજ શું કામ આપવું? જીએસટી વિભાગને આ કેસમાં કોઈ નુકસાન નથી. એક વેપારી બીજા વેપારીને લેટ પેમેન્ટ કરે છે તેમાં જીએસટીને કોઈ નુકસાન નથી. વેચનાર વ્યાજ માંગે તો સમજી શકાય પરંતુ જીએસટી વિભાગ શા માટે વ્યાજ માંગે છે. આ કાયદાને સુરતના એડવોકેટ અવિનાશ પોદ્દાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
પાંચ વર્ષ થયા છતાં જીએસટીઆર-2 ફોર્મ ઉપલ્બ્ધ કરાવાયું નથી.
જીએસટીઆર-2માં ક્રેડિટ રિવર્સ કરવાનો નિયમ છે પરંતુ જીએસટીનો કાયદો લાગુ થયાના 5 વર્ષ થયા છતાં જીએસટીઆર 2 ફોર્મ ઉપલ્બ્ધ કરાવાયું નથી. તે અંગે પણ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરાઈ છે.