વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST દરોમાં વધુ ઘટાડો કરવાના સંકેત આપ્યો છે. આઠ વર્ષ પહેલાં શરૂ કરાયેલી GST સિસ્ટમમાં તાજેતરમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
GST કાઉન્સિલે આશરે 400 વસ્તુઓ પર GST દર ઘટાડવાનો નિર્ણય લીધો હતો, જે 22 સપ્ટેમ્બરે નવરાત્રિના પહેલા દિવસે અમલમાં આવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે જેમ જેમ દેશ આર્થિક રીતે મજબૂત બનશે તેમ તેમ કરનો બોજ ઘટશે. તેમણે જણાવ્યું હતું કે GST ફેરફારો માળખાકીય સુધારા છે જે ભારતની વિકાસગાથાને નવી પાંખો આપશે.
ગ્રેટર નોઇડામાં યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા પછી મોદીએ કહ્યું, “આજે દેશ GST ઉત્સવની ઉજવણી કરી રહ્યો છે પરંતુ આપણે અહીં રોકાવાના નથી. 2017 માં અમે અર્થતંત્રને મજબૂત કરવા માટે GST રજૂ કર્યો હતો. આ વર્ષે અમે તેને ફરીથી રજૂ કર્યું છે, જે અર્થતંત્રને મજબૂત બનાવશે. જેમ જેમ આર્થિક મજબૂતી વધશે તેમ તેમ લોકો પર કરનો બોજ ઘટશે. દેશવાસીઓના આશીર્વાદથી GST સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.”
સ્વદેશી પર ભાર
પ્રધાનમંત્રીએ વિશ્વભરની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપતાં કહ્યું કે ભારતે એવા ખુલ્લા પ્લેટફોર્મ બનાવ્યા છે જે બધાને સાથે લઈ જાય છે. આમાં UPI, આધાર, DigiLocker, ONDCનો સમાવેશ થાય છે. આ બધાને તકો આપી રહ્યા છે. તેમનો મંત્ર બધા માટે પ્લેટફોર્મ, બધા માટે પ્રગતિ છે. વિશ્વમાં ઉથલપાથલ અને અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતનો વિકાસ આકર્ષક છે.
સ્વદેશી પર ભાર મૂકતા મોદીએ કહ્યું, ‘ભારતને આત્મનિર્ભર બનાવવું પડશે. દરેક ઉત્પાદન જે આપણે ભારતમાં બનાવી શકીએ છીએ. તે આપણે ભારતમાં બનાવવું પડશે. તેમણે કહ્યું કે આપણે ભારતમાં એક જીવંત સંરક્ષણ ક્ષેત્ર વિકસાવી રહ્યા છીએ. દરેક ભાગમાં મેડ ઇન ઇન્ડિયા સ્ટેમ્પ હોવો જોઈએ. આપણે આવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ.’