હમણાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ કાઉન્સિલની જે મીટીંગ મળી ગઈ તેમાં વીમા પ્રીમિયમ પર જે જીએસટી લગાડવામાં આવે છે તેમાં ઘટાડો કર્યો નથી.પ્રજા બહુમત એવી આશા રાખીને બેઠો હતો કે કંઈ નહીં તો સીનીયર સિટિઝન માટેના વીમા પ્રિમયમના જીએસટી દરમાં ઘટાડો જાહેર કરવામાં આવશે ,પણ એ આશા ઠગારી નીવડી છે.ખરું પૂછો તો સીનીયર સિટિઝનો માટેના વીમા પ્રીમિયમ પર જીએસટી હોવો જ નહીં જોઈએ. તે વાત તો બાજુએ રહી,અરે ઘટાડો પણ કરવામાં આવ્યો નથી.કોઈ કહે કે ન કહે સીનીયર સિટિઝનો સાથે આ દેખીતો અને હડહડતો અન્યાય છે.
સત્તા આગળ શાણપણ નકામું તે કહેવત યાદ આવ્યા વગર રહેતી નથી.આ લખનારના મતે જ્યારે જીએસટી કાઉન્સિલની મીટીંગ નક્કી થઈ ત્યારે જ સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલના સભ્યોને સીનીયર સિટિઝનો માટેના વીમા પ્રીમિયમ પર જીએસટી દરો ઘટાડવા માટે સૂચના અપાવી જોઈતી હતી પણ તેવું થયું નથી તે આ દેશના સીનીયર સિટિઝનોની કમનસીબી નહીં તો બીજું શું કહેવાય? આશા રાખીએ કે સરકાર આ બાબતમાં જીએસટી કાઉન્સિલના સભ્યોને સૂચિત કરીને બહુ જલ્દી આ બાબતમાં નિર્ણય લેવડાવી સીનીયર સિટિઝનો માટેના વીમા પ્રીમિયમ પર જે જીએસટી લગાડવામાં આવે છે તેમાં ગણનાપાત્ર ઘટાડો કરાવશે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.