વડોદરા: ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે શનિવારે સેન્ટ્રલ જી.એસ.ટીના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા હતા.જેમાં વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ વેચાણ ચાલુ રાખ્યું હોવાનું ધ્યાને આવતા SGST ના અધિકારીઓએ દરોડા પાડયા હતા.જેમાં વડોદરામાં નવ પેટ્રોલપંપ પર પાડેલા દરોડામાં નામાંકિત એવા અને અગાઉ પણ વિવાદમાં આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રણોલી ખાતેના પેટ્રોલપંપ પર પણ દરોડો પાડી જુના બાકી નીકળતા 3.50 લાખ રિકવર કરવાની કાર્યવાહી કરી હતી.
ગુજરાતમાં એસજીએસટી દ્વારા જુદાજુદા 80 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી.જેમાં સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં થઈ હોવાનો અંદાજ લગાવાયો હતો. રાજકોટમાં 24 , ભાવનગરમાં 7 , પોરબંદર , જામનગર , અમદાવાદ , વડોદરા , સુરતમાં અલગ અલગ પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં વડોદરામાં પાદરા સહિત નવ પેટ્રોલપંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં રણોલી-મિનલ સર્વિસ સ્ટેશન ,મોટેશ્વર-દુમાડ, માહી પેટ્રોલિયમ-વડોદરા , એફ પટેલ એન્ડ કંપની-પાદરા , શ્રી હરીસિદ્ધી પેટ્રોલિયમ-કડાણા , નંદી પેટ્રોલિયમ- વડોદરા,પારસ પેટ્રોલિયમ- સંતરામપુર, શ્રી ટ્રાન્સપોર્ટ-વડોદરા, આશ્રય પેટ્રોલિયમ-સાવલીનો સમાવેશ થાય છે. જીએસટી વિભાગે વડોદરાના નામાંકિત ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રણોલી સ્થિત મિનલ સર્વિસ સ્ટેશનના જુના ટેક્સના બાકી નિકળતા રૂ.3.50 લાખની રિકવર કર્યા હતા. રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા ટેક્સ ભરવામાં આખ આડા કાન કરતાં 70 જેટલાં પેટ્રોલ પંપો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.વડોદરા શહેર જીલ્લા અને પંચમહાલના કેટલાંક પેટ્રોલ પંપ દ્વારા સરકારમાં ટેક્સની રકમ ભરવામાં આવતી ન હતી.
વડોદરા ,પાદરા , સાવલી અને પંચમહાલ જીલ્લાના કુલ 9 પેટ્રોલ પંપ પર જીએસટી વિભાગની તપાસ ચાલું છે.જીએસટી વિભાગે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના રણોલી સ્થિત મિનલ પેટ્રોલ પંપ અને વૈશાલી ટ્રાવેલ્સના સંચાલકના પુત્ર અપૂર્વ પટેલના પાદરા સ્થિત એફ પટેલ એન્ડ પેટ્રોલિયમ ખાતે પણ દરોડા પાડ્યાં હતાં.ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મિનલ સર્વિસ સ્ટેશનના જુના ટેક્સના બાકીના રૂ.3.50 લાખની રિકવરી જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
મિનલ સર્વિસ સ્ટેશનનો જીએસટી નંબર ચાલુ હોવા છતાં ટેક્સ ભરવામાં આવતો ન હતો.સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે પેટ્રોલ પંપના સંચાલકો ટેક્સ ન ભરે તો જીએસટી નંબર રદ થઈ જાય છે.જીએસટી નંબર બંધ હોવા છતાં પેટ્રોલનું વેચાણ ચાલુ રાખવામાં આવતું હતું.કંપનીના સેલ પરથી જીએસટી વિભાગ દ્વારા સંબંધિત પેટ્રોલ પંપના નામ સહિતની વિગતો એકત્ર કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં ટેક્સના નાણાં ભર્યા બાદ જીએસટી નંબર એક્ટિવ થતો હોય છે.
જીએસટી વિભાગ દ્વારા 9 પેટ્રોલ પંપ ખાતે તપાસ ચાલુ જ છે.હાલ તમામ પેટ્રોલ પંપના ચોપડા પણ જપ્ત કરવામાં આવ્યાં છે. જીએસટીની ચોરી કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવશે તો જવાબદાર પેટ્રોલ પંપ પાસે 100 ટકા પેનલ્ટી સાથે બાકી ટેક્સના નાણાંની વસૂલાત કરવામાં આવશે હોવાની માહિતી સાંપડી હતી.નોંધનીય છે કે કોરોનાકાળમાં ગુજરાતના 78 હજારથી વધુ વેપારીઓના વેટ નંબર રદ કરાયા છે.